જામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આનાથી શહેરને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી છે, ઉપરાંત 32 ગામડાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. ડેમના નીચાણવાળા 11 ગામોને પૂરના જોખમને ધ્યાને રાખીને સચેત કરવામાં આવ્યા છે.
આ ડેમ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે અને 32 ગામડાઓની ખેતી માટે સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. ડેમના ઓવરફ્લોને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. આને ધ્યાને રાખીને જામનગર અને લાલપુર તાલુકાના 11 ગામોના ગ્રામજનોને સચેત રહેવા અને જરૂૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. જામનગર તાલુકાના દોઢિયા, બાલંભડી, ગાડુકા, સાપર, આમરા, વસઈ, સરમત, બેડ તેમજ લાલપુર તાલુકાના પીપળી, કાના છીકારી, ડેરા છીકારી ગામોને ચેતવણી અપાઇ છે.
વહીવટી તંત્રે આ ગામોના રહેવાસીઓને નદીકાંઠે ન જવા અને પોતાની સલામતી માટે જરૂૂરી પગલાં લેવા જણાવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી શકાય.
સસોઈ ડેમ જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ડેમ ખાસ કરીને ખંભાળિયા અને દ્વારકા તાલુકાઓના ગામો માટે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે છે. ડેમનો ઓવરફ્લો ખેડૂતો માટે વરદાન સમાન છે, કારણ કે તેનાથી ખેતરોમાં પાણીની ઉપલબ્ધતા વધશે, જે ખેતીની ઉત્પાદકતામાં વધારો કરશે. જોકે, 2009માં સસોઈ ડેમના પાણીની અછતને કારણે 32 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ વખતે ડેમનો ઓવરફ્લો આવી સમસ્યાઓને દૂર કરશે.