જામનગર: ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીનું સારવાર દરમિયાન મોત
જામનગર શહેરમાં ચાંદીપુરા અને કોલેરા ના રોગ નું પ્રમાણ ધીમા પગલે સતત વધી રહ્યું છે. બે દિવસ પહેલાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બે બાળ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા, તેમાંથી એક 9 માસની બાળકીનું સારવારમાં મૃત્યુ થયું છે. જેથી જી.જી. હોસ્પિટલ વર્તુળ તેમજ આરોગ્ય વિભાગના તંત્રમાં દોડધામ થઈ છે. જામનગરની માત્ર 9 માસ ની બાળકી ને ચાંદીપુરા રોગના લક્ષણો જોવા મળતાં તેણી ને બે દિવસ પહેલા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જેનું ગઇકાલે સારવારમા મૃત્યુ થયું છે. જો કે આ બાળકી ના નમુના પુના ની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલાયા છે. પરંતુ હજુ તેનો રિપોર્ટ મળ્યો નથી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના 13 વર્ષના એક બાળકને પણ તાવની બીમારીને કારણે અને શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સારવાર ચાલી રહી છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર 9 માસની બાળકીને ચાંદીપુરા જેવા જીવલેણ રોગના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે જ તેની હાલત નાજુક હતી .
આ સાથે જામનગરમાં કોલેરાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે અને સમયાંતરે નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. બીજી તરફ શહેર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી આનુસંગિક કામગીરી હાથ ધરવા મા આવી રહી છે.