રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુ
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ તબીબો દ્વારા વિશેશ લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મોરબીના અજનાળી ગામના વતની અને હાલ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતા દશરથસિંહ લાભુભા ગઢવી (ઉ.વ.40) ગત રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ઈન્વે/કોર્ટરૂમ ડ્યુટીમાં ફરજ પર હતાં દરમિયાન આજે વહેલી સવારે 6:50 વાગ્યાના અરસામાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી.પી. વેગડાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબો દ્વારા હેડ કોન્સ. દશરથસિંહનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની શંકાએ વિશેશ લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં મૃતક દશરથસિંહ બેભાઈ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ અગાઉ અમદાવાદ ફરજ બજાવતા હતા અઢી મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. આ બનાવથી જમાદારના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.