જાગનાથની ગામડા કરતાં બદતર હાલત, ઠેર-ઠેર ખાડા
શહેરની શાન સમા યાજ્ઞિક રોડ પર ચાલતી વિવિધ કામગીરીથી ઠેર ઠેર ખાડા પડયા અને રસ્તાની બદતર હાલત થઈ ગઈ હોવાથી વાહન ચાલકોને સમસ્યા થઈ રહી છે. ચોમાસા પહેલા આ કામગીરી પુરી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણી નાગજીભાઈ વિરાણી (પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ), શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 7 ના પ્રભારી બિંદીયાબેન તન્ના સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 7 જાગનાથ પ્લોટમાં શેરીઓમાં ખોદકામ થી શહેરીજનો ત્રસ્ત છે. શહેરમાં ચોમાસાના તમામ કામો જુન ના પ્રથમ વીકમાં આટોપી લેવાના હોવા છતાં હજુ શહેરમાં આડેધડ ખોદકામ ચાલે છે. શહેરમાં જાગનાથ જેવા પોશ વિસ્તારની હાલત હાલ ગામડા કરતા બદતર થઈ ગઈ છે.
હાલ જાગનાથમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને જે કાંઈ પાઈપ લાઈન બિછાવીને પેચવર્ક ડામર કામ કરવામાં આવેલ ન હોવાથી ઠેર ઠેર ચરેડા પડી ગયા છે અને આ પગલે શહેરીજનોને આવા ચરેડા અને ખાડાઓને પગલે સિનિયર સિટીઝન અને મહિલાઓ બાળકોને હાલાકી ભોગવવી પડે છે. ચોમાસું આવે તો આ વિસ્તારમાં યાજ્ઞિક રોડ પરના કામ અને ઠેર ખાડાઓનું સામ્રાજ્યની પગલે જળ હોનારતની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને રાજકોટના મેયર જાગનાથની શેરીઓ ગલીઓમાં એક વખત બાઈક લઈને નીકળે તો ખબર પડે કે શહેરમાં આ વિસ્તારમાં બાઈક ચાલકોને ચલાવવામાં કેટલી મુશ્કેલી પડે છે.
જાગનાથ પ્લોટમાં શેરીઓમાં ખાડાઓનું સામ્રાજ્ય હોવાને કારણે અનેક જગ્યાએ ધૂળના ઢગલાઓ અને ખાડાઓ પરની ડામર પરની કડ વાહન ચાલકો માટે આફતરૂૂપ બની શકે છે. શહેરીજનોના ટાટીયા ભાંગે એ પહેલા તંત્ર એક્શનમાં આવે અને આગામી ચોમાસુ વહેલું હોવાની આગાહી હવામાન ખાતાની કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડાઓના તમામ કામ પૂર્ણ કરી ડામર કરવા કોંગ્રેસના નાગજીભાઈ અને બિંદિયાબેને અપીલ કરી છે.