ઇટાલિયા રેલી કાઢે તે પહેલા રત્નકલાકારોને સહાય ચૂકવણું જાહેર
સુરતમાં 74268 પૈકી 47599 અરજી મંજૂર, ચાર મહિનાથી ઉઠા ભણાવતી સરકારે હવે 15 દિવસમાં સહાય ચૂકવવાની જાહેરાત કરી
ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. મંદીના કારણે અનેક રત્નકલાકારોએ રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે મેં મહિનામાં બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી પેટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી. સરકારીની જાહેરાત બાદ રત્ન કલાકારના બાળકોને હજી સુધી સહાય ન મળતા મુશ્કેલીનો સામનો કરતા હતા.
તેની વચ્ચે ઈટાલિયાએ આજે સુરતમાં રત્નકલાકારોના અધિકાર મુદ્દે પદયાત્રાની જાહેરાત કરતા જ તંત્ર સફાળું જાગ્યું છે અને રત્ન કલાકારોના બાળકોને જે ફી સહાય ચૂકવવાની થાય છે તે તાત્કાલીક ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં રત્નકલાકારોના કૂલ 50,241 બાળકનો ફી સહાય પેટે 65 કરોડ રૂૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત બાદ સુરત જિલ્લામાં રત્ન કલાકારો દ્વારા કુલ 74,268 અરજી કરવામાં આવી હતી. જેની ચકાસણીના અંતે કુલ 47,599 અરજી મંજૂર કરવામાં આવી છે જેમાં કુલ 50,241 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અલગ અલગ કારણોસર 26,600 અરજી રિજેક્ટ કરવામાં આવી છે.
આ સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા રત્નકલાકારોના હક્ક માટે રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બર, શનિવારના ઈટાલીયા શ્રી ઉમિયાધામ મંદિરથી પદયાત્રા શરૂૂ કરીને હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર માનગઢ ચોક, મીની બજાર સુધી જશે અને બપોરે 12:30 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, આ જાહેરાતથી રત્નકલાકારોને તાત્કાલિક રાહત મળી છે, જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વની ઘટના ગણાય છે.
ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે (24 મે, 2025) રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જે તે સમયે જણાવ્યું કે રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર ઉઇઝ મારફત ટ્રાન્સફર કરાશે.
ભાવનગરમાં 7000થી વધુ અરજીઓ પેન્ડિંગ
ભાવનગરના રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે 12,000થી વધુ અરજી કરવામાં આવી હતી. જેમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 2500થી વધારે બાળકોનો સહાય ચુકવણી કરી દેવામાં આવી છે, જ્યારે 7000થી વધુ અરજીઓ પેન્ડિંગ છે જેના માટે શાળાઓની વેરિફિકેશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, આ થોડીક જટિલ પ્રક્રિયા હોવાને કારણે વાર લાગી રહી છે. કારણ કે, રત્ન કલાકારો દ્વારા પહેલા વર્ષ અને બીજા વર્ષમાં ફી બોનોફાઈટમાં અલગ અલગ રકમ દર્શાવવા હોવાને કારણે આ પ્રક્રિયામાં થોડીક વાર લાગી રહી છે. જેમ જેમ વેરિફિકેશન થતું જશે તેમ તેમ ચુકવણી કરવામાં આવી રહી છે. આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભાટીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.