રાજકોટના ટોચના બિલ્ડર ગ્રૂપના 30 સ્થળે આઇ.ટી.ના દરોડા
- ઓરબીટ ગ્રૂપવાળા લાડાણી એસોસિએટ્સના તમામ ભાગીદારોના નિવાસસ્થાનો, ઓફિસો સહિતના સ્થળોએ 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
ગુજરાતમાં ચાલુ વર્ષે બિલ્ડરો ઉપર ઇન્કમટેકસ વિભાગની સતત તવાઇ ચાલુ જ રહી હોય તેમ અમદાવાદ- સુરતના બિલ્ડરો બાદ આજે ઇન્કમટેકસ વિભાગે રાજકોટમાં ટોચના બિલ્ડર ગૃપ ઉપર તવાઇ ઉતારી છે અને આજે રાજકોટમાં બેરીંગ તથા બિલ્ડીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓરબીટ ગૃપ અને તેની સાથે જોડાયેલા લોકોના કુલ 30 જેટલા સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. ઇન્કમટેકસ વિભાગની આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો ઝડપાવાની શકયતા દર્શાવાઇ રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી ઓરબીટ બેરીંગ ગૃપ તથા અગ્રણી બિલ્ડર દિલીપ લાડાણીની ભાગીદારીવાળા અને તેની સાથે જોડાયેલા તમામ ભાગીદારોના ઓફિસો, નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.
મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.
લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.
બિલ્ડરના કર્મચારીઓના નિવાસે પણ તપાસ હાથ ધરાઇ
રાજકોટનાં બિલ્ડર ગૃપ લાડાણી એસોસીએટસના ભાગીદારોને ત્યાં સવારથી ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડયા છે સાથો સાથ આ બિલ્ડર ગૃપને ત્યાં નોકરી કરતા કર્મચારીઓના નિવાસસ્થાનો ઉપર પણ ઇન્કમટેકસ વિભાગે તપાસો હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બિલ્ડરો પોતાના બે નંબરના વ્યવહારો કર્મચારીઓના નિવાસ સ્થાનોમાં રાખતા હોવાની શંકાથી કેટલાક કર્મચારીઓના નિવાસે પણ સવારમાં ઇન્કમટેકસના અધિકારીઓ પહોંચ્યા હતા અને હિસાબી સાહિત્ય તેમજ લેપટોપ જપ્ત કરી લીધા હતા. સાથો સાથ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી તેમને પણ ઓફિસે બેસાડી દેવામાં આવ્યા છે.
કોને ત્યાં તપાસ
દિલીપભાઇ લાડાણી
ઉત્સવ દિલીપભાઇ લાડાણી
રાજ વિનેશભાઇ પટેલ
વિનેશ બાબુલાલ પટેલ
વિપુલ બાબુલાલ પટેલ
દાનુભા જાડેજા