જાહેર સ્થળોએ ફાયરપ્રૂફ ફર્નિચર લગાવવું ફરજિયાત
સિનેમા, સ્કૂલ-કોલેજ, મોલ, એરપોર્ટ, મ્યુઝિયમ, ધાર્મિક સ્થાનો સહિતની આગના બનાવો અટકાવવા નવું જાહેરનામું, 1 ઓકટોબરથી અમલ
ભારત સરકારે જાહેર સ્થળોએ મૂકવામાં આવતા સોફા, ખુરશી સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી બનાવવામાં આવે તેવો આદેશ કર્યો છે. જાહેર જનતાની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગને લગતી કરુણ દુર્ઘટનાઓ ન બને તે હેતુથી આ આદેશ કરવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર 2024થી નવો આદેશ લાગુ પડશે. અગાઉ સાતમી ઓક્ટોબર 2023થી તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સિનેમા ઘર, ડાઇનિંગ હોલ, શાળા-કોલેજ, પડદા, ખુરશી કે સોફા સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલના બનેલા હોવા જરૂૂરી જાહેર સ્થળોએ તૈયાર કરવામાં આવતા તમામ પ્રકારના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી જ તૈયાર થયેલી હોવા જોઈએ અને તેને માટેના ધોરણો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે નક્કી કરી આપ્યા છે. જાહેર સ્થળોમાં ઓફિસ, મોલ, એરપોટ્ર્સ, રેસ્ટોરાં, અન્ડરગ્રાઉન્ડ શોપિંગ કોમ્પ્લેક્સ, મ્યુઝિયમ, હોસ્પિટલ્સ અને પૂજા-અર્ચનાના ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પણ આ નિયમ લાગુ પડશે. ડાયનિંગ હોલમાંથી ખુરશીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે.
ખુરશી અને સોફાની ગાદી પર ફાયરપ્રૂફ અપહોલેસ્ટ્રી રાખવા જણાવ્યું છે. ખુરશીની ગાદી બનાવવા માટેના મટિરિયલને અપહોલ્સ્ટરી તરીકે ઓળખાવવામાં આવે છે. અપહોલ્સ્ટરી ફાયરપ્રૂફ હોવી જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ જ રીતે જાહેર સ્થળ પર પડદા લગાવવામાં આવ્યા હોય તો તે પડદા પણ ફાયરપ્રૂફ હોવા જરૂૂરી છે. કેન્દ્ર સરકારના ટેક્સટાઈલ ખાતાએ ગેઝેટના માધ્યમથી તેની જાહેરાત કરી છે. આ નિયમનું પાલન ન કરનારાઓને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016 કલમ 11 હેઠળ દંડ કરવામાં આવશે. 26મી મે 2023થી ગેઝેટ બહાર પાડીને ફાયરપ્રૂફ મટિરિયલનો ઉપયોગક કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
પરંતુ હજી સુધી તેનું પાલન બહુ જ મર્યાદિત લોકો દ્વારા કરવામાં આવ્યું હોવાથી હવે સરકાર કડક પગલાં ભરવા તૈયાર થઈ હોવાનું માનવામાં આવે છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર ખુરશી સોફાના મટિરિયલ બનાવનારાઓને પણ લાગુ પડશે. ઘરમાં વપરાતા ફર્નિચરને માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. આયાત કરવામાં આવતા તમામ પ્રકારના ફર્નિચરને આ નિયમ લાગુ પડશે. જોકે માર્ચ 2025 સુધી મટિરિયલ બનાવનારા ઉદ્યોગને રાહત આપવામાં આવલી છે. જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીમાં વધારો કવરાના ઇરાદા સાથે સરકાર આ પગલાં લઈ રહી છે. જાહેર સ્થળોએ ફરતી પ્રજાના જીવનું અને જાહેર મિલકતોને સલામત બનાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.આ પ્રોડક્ટ્સ માટે બીઆઈએસ સર્ટિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.