For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાઓને એક મહિનામાં ફાયર એનઓસી મેળવી લેવી ફરજિયાત

12:20 PM Jul 25, 2024 IST | Bhumika
શાળાઓને એક મહિનામાં ફાયર એનઓસી મેળવી લેવી ફરજિયાત
Advertisement

કમિશનર ઓફ સ્કૂલ દ્વારા અમલવારી કરાવવા ડીઇઓને તાકીદ, પરિપત્ર બહાર પડાયો

રાજયની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમા ફાયર એનઓસી મેળવી લેવા માટે કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજયની દરેક ડીઇઓ કચેરીને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઇડલાઇન પણ જાહેર કરાઈ છે.

Advertisement

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઇને ભારે વિવાદ ઉભો થયો હતો. વિભાગ દ્વારા દરેક સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લગતી વ્યવસ્થા અને બી.યુ.પરવાનગી છે કે નહી તેની ચકાસણી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. હવે સ્કૂલ ઓફ કમિશ્નર દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, આગામી 30 દિવસમાં દરેક સ્કૂલોએ ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં બે કે તેથી વધારે માળ ધરાવતી સ્કૂલોએ ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તેણે સંબંધિત જિલ્લાશિક્ષણાધિકારીને જાણ કરીને પાળી બદલવાની રહેશે.

આ ઉપરાંત જે સ્કૂલમાં આધુનિક અને ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા હોય તેઓ ઓનલાઇન શિક્ષણ પણ આપી શકશે. જે શાળાનો ફલોર એરિયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય તો 500 ચો.મી.થી ઓછા ફલોર એરિયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. શાળા સમય દરમિયાન આગ લાગી શકે કે પ્રસરી શકે તેવા જવલનશીલ પદાર્થ કે વસ્તુઓ રાખી કે તેવી કોઇ પ્રવૃત્તિ કરી શકાશે નહી. શાળા પરિસરમાં આવેલી પેન્ટ્રી, રસોઇઘર, કેન્ટીનનો આ સમયગાળા દરમિયાન ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે.ઇલેક્ટ્રીસીટીન મંજુર થયેલા લોડ પ્રમાણે જ સાધનોનો ઉપયોગ કરવો વધુ વપરાશ ટાળવો, શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન પુરતી હવાઉજાસ જળવાઇ રહે, બારી-બારણા ખુલ્લા રહે તેની તકેદારી રાખવી, શાળાઓમાં ફાયર સેફ્ટી પ્લાન સરળ ભાષામાં તૈયાર કરીને યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવાનો રહેશે. શાળાઓએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સાથે રહીને મોક ડ્રીલ કે તાલીમનું આયોજન કરવાનું રહેશે.
આ તમામ તકેદારી રાખ્યા પછી પણ કોઇ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદાર શાળાની રહેશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. તમામ સ્કૂલોએ નિશ્ચિત સમયગાળામાં ફાયર એનઓસીની મંજુરી અને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતાં રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે શાળાઓએ ફાયર એનઓસી માટે અરજી કરી નથી તેઓએ 10 દવસમાં અરજી કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement