ન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?
નવા સ્થળની જમીનના લેવલિંગમાં લાંબો સમય લાગે તેમ છે: માર્ગ-મકાન વિભાગ મુંજાયુ
રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત લોકમેળાના સ્થળ બદલવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ફરિયાદ સંકલન સમિતિની બેઠકોમાં લોકમેળાના પ્રશ્ન અને તેના સ્થળ બદલવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકો બાદ કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગને નવા સંભવિત સ્થળના સર્વેની કામગીરી સોંપી હતી.
કલેક્ટર કચેરીના વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ શહેરના ન્યુ રેસકોર્સ ખાતે સંભવિત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જોકે, પ્રાથમિક અહેવાલ દર્શાવે છે કે આ વર્ષે લોકમેળાનું સ્થળાંતર ત્યાં કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બે થી ત્રણ દિવસમાં જ સમગ્ર રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવશે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ન્યુ રેસકોર્સ પાસે લોકમેળા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે, પરંતુ ત્યાંની જમીનને સમતલ કરવામાં ઘણો સમય લાગી શકે છે. આ એક મુખ્ય કારણ છે જેના કારણે આ વર્ષે મેળાનું સ્થળાંતર શક્ય જણાતું નથી. વધુમાં, આ જગ્યા પોલાણવાળી હોવાથી જમીનમાં મોટા પાયે ખોદકામ કરવું પડશે, જેમાં પણ ઘણો સમય લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ બાદ જ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે. ચોમાસુ નજીક આવતું હોવાના કારણે જમીન સમતલ કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે અને આ પ્રક્રિયામાં બે થી ત્રણ મહિનાનો સમય પણ લાગી શકે છે. જમીન પોલાણવાળી હોવાને કારણે તેમાં વધુ સમય અને મહેનત લાગવાની શક્યતા છે. આ તમામ કારણોસર, આ વર્ષે પરંપરાગત લોકમેળાનું સ્થળાંતર વર્તમાન રેસકોર્સ મેદાન પરથી ન્યુ રેસકોર્સ ખાતે થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.