For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેરકાયદે બોર્ડ-કિયોસ્ક લગાડતી એજન્સીઓ સામે તપાસ

04:52 PM Mar 20, 2024 IST | Bhumika
ગેરકાયદે બોર્ડ કિયોસ્ક લગાડતી એજન્સીઓ સામે તપાસ
  • બોર્ડ-બેનર બનાવવા સાથે રાત્રીના અંધારામાં ઈલેક્ટ્રિક પોલ ઉપર લટકાવી બારોબાર પૈસા ખંખેરી લેવાતા હોવાનું કોર્પોરેશનની તપાસમાં ખુલ્યું
  • એક જ પાર્ટીના 17 બોર્ડ ઉતારી રૂા. 3.18 લાખનો દંડ ફટકારતા ભાંડો ફૂટ્યો

જાહેરાતોનું સામ્રાજ્ય દિવસે દિવસે વેગ પકડતું જાય છે કોઈપણ પ્રોડક્ટના વેચાણ માટે હજે જાહેરાત ફરજિયાત થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરમાં પણ મુખ્યમાર્ગો અને ખાસ લોકેશન મુજબ હોર્ડિંગ બોર્ડ તેમજ ક્યોસબોર્ડ લગાવાની જાણે હરીફાઈ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામ કાર્યવાહી માટે મહાનગરપાલિકાને મંજુરી અને નિયત કરેલ ફી ભરવી ફરજિયાત છે. છતાં જગ્યારોકાણ વિભાગ દરરોજ અસંખ્ય ગેરકાયદેસર બોર્ડ-બેનરો જપ્ત કરી દંડ ફટકારી રહી છે. જેમાં ક્યોસ બોર્ડ લગાવવામાં બોર્ડ બનાવતા અમુક એકમો જવાબદાર હોવાનું ખુલવા પામ્યું છે.

Advertisement

મનપાના જગ્યારોકાણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરના રાજમાર્ગો તેમજ સર્કલો અને અમુક ખાસ લોકેશન ઉપર બોર્ડ-બેનર ક્યોસ્ક બોર્ડ લગાવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં એજન્સીઓ ભાગ લઈ કામ રાખે છે. જેના થકી મનપાને પણ વર્ષે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. મોટાભાગના બોર્ડ-બેનરો એજન્સી મારફતે લગાવવામાં આવતા હોય છે. જેમનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય જગ્યારોકાણ વિભાગ દ્વારા આ બોર્ડબેનરો કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપે છે. છતાં ઈલેક્ટ્રીક પોલ અને અન્ય ઈમારતો ઉપર નાના ક્યોસ્ક બોર્ડ લગાવાવું વધુ સરળ તેમજ સસ્તુ પડતું હોય જાહેરાત માટે વેપારીઓ દ્વારા અથવા કંપનીઓ દ્વારા આ રસ્તો વધુ અપનાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે અલગ અલગ પોલ ઉપરથી 17 બોર્ડ એક જ જાહેરાતના જપ્ત કરવામાં આવ્યા હતાં અને જે જાહેરાત કરવામાં આવેલ તેની પાસેથી ત્રણ લાખથી વધુનો દંડ વસુલવામાં આવેલ ત્યારે જાહેરાત કરનાર વેપારીએ જણાવેલ કે, અમારે તો બન્ને બાજુથી દંડાવવાનું થાય છે. કારણ કે, કિયોસ્ક બોર્ડ બનાવવા માટે બોર્ડ બનાવનાર પાસે ગયા ત્યારે તેઓએ એક બેનરનો ભાવ અને સાથે લગાવવાના ચાર્જ સહિતની રકમ વસુલી લીધી હતી તેમજ આલોકોએ જણાવેલ કે અમે બેનર બનાવી તમે કહો તે મુખ્ય માર્ગ ઉપર પોલ ઉપર લગાવી આપશું જે મહાનગરપાલિકા દ્વારા ઉતારવામાં નહીં આવે આ પ્રકારની ગેરંટી આપવામાં આવે છે. છતાં આ બોર્ડ ગેરકાયદેસર છે તેવું આજે જાણવા મળ્યું છે અને બોર્ડ બનાવનારને રકમ પુરે પુરી ચુકવી દીધેલ છે.

તેની સામે મહાનગરપાલિકાને પણ દંડ પેટે મોટી રકમ ચુકવવાનો વારો આવ્યો છે. જગ્યારોકાણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ શહેરમાં મોટા હોર્ડિંગ બોર્ડ તેમજ ક્યોસ્ક બોર્ડ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે. કોઈપણ વેપારી પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે ક્યોસ્ક બનાવવા માટે બોર્ડ બનાવનારને સંપર્ક સાધે ત્યારે તેઓ બોર્ડ અને બોર્ડ લગાવવાની મજુરી સહિતનો ચાર્જ વસુલી લેતા હોય છે. અને રાત્રીના સમયે તેમના માણસો ઈલેક્ટ્રીક પોલ ઉપર ક્યોસ્ક બોર્ડ લગાવે છે. પરંતુ જગ્યારોકાણ વિભાગ દ્વારા બોર્ડ બનાવનાર વિરુદ્ધ કોઈ જાતના પગલા લઈ શકાતા નથી ફક્ત બોર્ડમાં જે લોકોની જાહેરાત હોય અને જે પ્રોડક્ટનું નામ હોય તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આથી હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો આ પ્રકારના હજારો ગેરકાયદેસર ક્યોસ્ક બોર્ડ લાગતા અટકી જાય.

Advertisement

રાત્રીના સમયે તપાસની જરૂર
જગ્યારોકાણ વિભાગ દ્વારા દરરોજ સવારથી સાંજ સુધી રેકડી-કેબીન તેમજ અન્ય દબાણરૂપ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સાથો સાથ ઈલેક્ટ્રીક પોલ ઉપર લગાવવામાં આવેલ મંજુરી વગરના ક્યોસ્ક બોર્ડ પણ ઉતારવામાં આવી રહ્યા છે. પરંતુ દિવસ દરમિયાન ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ અથવા ક્યોસ્ક બોર્ડ લગાવતા હોય તેવું આજ સુધી જગ્યારોકાણ વિભાગે જોયું નથી આથી આ પ્રકારના ક્યોસ્ક બોર્ડ રાત્રીના સમયે લાગતા હોવાથી તંત્ર દ્વારા રાત્રીના ચેકીંગ કામગીરી શરૂ કરવી જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement