લાભાર્થીઓને આવાસની ફાળવણી પ્રક્રિયા ઝડપથી કરવા અધિકારીઓને સૂચના
રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટના મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જનહિતલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ મામલે વિવિધ વિભાગ દ્વારા થતી કામગીરી તેમજ આગામી સમયમાં થનારી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. સમિતિ અધ્યક્ષ દ્વારા આ રજૂઆતો સંદર્ભે યોગ્ય કામગીરી ઝડપથી કરવા સુચના આપવામાં આવી હતી.
ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થા, નવા વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો શરૂૂ કરવાની સંભાવનાઓ, લાભાર્થીઓને આવાસની ફાળવણીની પ્રક્રિયા ઝડપથી કરવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જનકલ્યાણની ભાવના સાથે દરેક વિભાગના અધિકારીઓને આગોતરા આયોજન સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.આ બેઠકમાં જિલ્લા નોંધણી સર નિરીક્ષક અધિકારી ડી.જે. વસાવા દ્વારા વિવિધ બાબતો પરની સ્ટેમ્પ ડ્યુટી અંગે સમજૂતી આપવામાં આવી હતી. ખૂટતી કે અધૂરી સ્ટેમ્પ ડયુટીવાળા દસ્તાવેજ માન્ય ન ગણાય, તે બાબત પર ભાર મુકાયો હતો.