રાજકારણ માટે સમાજને પૂછવાના બદલે ત્રેવડ હોય તો સીધું કૂદી પડાય
રાજકારણ સાથે જેને લેવાદેવા નથી તેવી સમાજના બે-પાંચ લોકોની ટોળકી મને પાડી દેવાના પ્રયાસો કરી રહી છે
જામકંડોરણા ખાતે ગઈકાલે રવિવારે યોજાયેલ લેઉવા પટેલ સમાજના સમુહ લગ્નોત્સવમાં 511 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં આ પ્રસંગે લગભગ બે લાખ જેટલા લેઉવા પટેલ સમાજના લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે આ સમુહ લગ્નોત્સવના આયોજક ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સમાજના જ તેના વિરોધીઓ ઉપર રીડિયારમણ કરી દીધું હતું અને ખુલ્લી છાતીએ લડવા આહવાન કરી જણાવ્યું હતું કે, રાજકારણમાં આવવા માટે સમાજને પુછવા જવાય નહીં, ત્રેવડ હોય તો સીધુ જ કુદી પડાય, રાજકારણમાં આવવા માટે સમાજના સર્ટિફિકેટની જરૂર નથી. રાજકારણમાં આવ્યા બાદ તમે કેવા કામો કરો છો તે જોઈને સમાજ સર્ટિફિકેટ આપે છે અને આવા (સમુહ લગ્નોત્સવ) જેવા મંચ ઉપર બેસાડે છે.
લેઉવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પણ નિશાન તાક્યું હતું. નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવાનમા હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે.
રાદડીયાએ વધુમાં કહ્યું કે, ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતા પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું.
વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે. તેમાં ટોળકી ક્યાંય આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંય પીછેહઠ નથી થવાની. જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે. રાજનીતિ સાથે ન્હાવા નીચોવાનો સંબંધ નથી. તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરે. મેં કહ્યું કે, આજે સુધરશે કાલે સુધરશે. રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેવા ચોકઠા ગોઠવવા વાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે.
જો કે સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સમાજનું સારું કામ હોય, તો આ ટપોરી ગેંગ ખરાબ કોમેન્ટ કરીને લેઉવા સમાજને કેદ કરવાનું કામ કરી રહી છે. આ ટપોરી ટોળકી સમાજના નામે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સમાજનું સારું કામ કરતા હોય, તેમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.
જયેશ રાદડિયા અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો કરવામાં આવે છે. આપણા જ સમાજના લોકો જેઓ રાજનીતિમાં નથી, પરંતુ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને સમાજે જવાબ આપવો પડે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું. હું મારા સમાજનું કામ કરી રહ્યો છું. મારે કોઈના સર્ટીફિકેટની જરૂૂર નથી.
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મને જે જવાબદારી સોંપી છે, તે હું નિભાવું છે. જેના કારણે કદાચ આવી ટોળકી મારી સામે પડશે, તો પણ હું સમાજની કામગીરીમાં પીછેહઠ નહીં કરું. જયેશ રાદડિયા સારું કામ કરે, આટલા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરે અને જંગી જનમેદની એકઠી થાય, તો કેટલાયના પેટમાં તેલ રેડાય છે. જે લોકો રાજનીતિમાં નથી તેઓ જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેના ચોકઠા ગોઠવી રહ્યા છે. આવા લોકોને ઓળખવાની જવાબદારી આપણા સમાજની છે. આવા લોકોને મારો ખુલ્લો પડકાર છે કે, રાજનીતિના મેદાનમાં આવી જાવ.
તેમણે વિરોધીઓ પર પ્રહારો કહ્યું હતું કે, હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કેવા આવવાનું નહોતું? સમાજની અંદર બે પાંચ લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે. રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે.
જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું, આવી ટોળકીને સમજો, ઓળખવાની જરૂૂર છે. હું જુનાગઢ સમાજના કામ કરવા જાઉં છું ત્યાં મારે મત લેવા જવાની જરૂૂર નથી. અનેકવિધ પ્રવૃત્તિ મને વારસામાં મળી છે અને હું કરું છું.
જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાવ. કેટલાક લોકો બે દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે. મેં કીધું ખમો મારું તીર આવશે જ બરાબર નિશાન પર આવશે.
આગામી બે વર્ષ સમૂહલગ્ન નહીં યોજાય, હરિદ્વાર- મથુરા ખાતેના ભવનોનું કામ પૂર્ણ કરાશે
આગામી સમૂહ લગ્ન અંગે કહ્યું હતું કે, હવે પછી બે વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે. આ બે વર્ષ દરમિયાન હરિદ્વાર અને મથુરા ખાતેના સમાજના ભવનોનું કામ પૂર્ણ કરવાનો અમે નિર્ણય લીધો છે. બન્ને સ્થળે જમીન સ્વ. વિઠ્ઠલભાઈની હયાતીમાં જ લેવાઈ ગઈ હતી હવે ભવનો બનાવવાનું કામ આગળ વધારવાનું છે.
સમાજની પિતા કે માતા-પિતા વિહોણી દીકરીઓના રહેવા, જમવા અને અભ્યાસનો ખર્ચ જામકંડોરણા છાત્રાલય ઉપડશે
જામકંડોરણા ખાતે આજે યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવમાં આ લગ્ન ઉત્સવના આયોજક જયેશ રાદડિયાએ એક મોટી સામાજિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ભરમાં લેઉવા પટેલની પિતા અથવા માતા-પિતા વિહોણી દીકરીઓને જામકંડોરણા તથા રાજકોટ ખાતે આવેલી ક્ધયા છાત્રાલયમાં ધોરણ 1 થી 12 સુધી વિનામૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત જો દીકરી ભણવામાં હોશિયાર હશે અને તેને આગળ એન્જિનિયરિંગ કે મેડિકલ સહિત કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો તેની ઉચ્ચ અભ્યાસની ફી પણ જામકંડોરણા ક્ધયા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં અને કેવા ગરીબ પરિવારો છે કે જે પોતાની દીકરીઓને અભ્યાસ કરાવી શકે તેવી આર્થિક ક્ષમતા ધરાવતા નથી, આવા પરિવારોની દીકરીઓ માટે પણ અમે હર હંમેશ ચિંતિત છીએ અને તેથી જ જામકંડોરણામાં વાર્ષિક માત્ર ₹7,000 માં સમાજની દીકરીઓને રહેવા ભણવા અને જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જ્યારે રાજકોટ જેવા શહેરમાં પણ માત્ર રૂૂપિયા 25,000 માં સમાજની દીકરીઓને રહેવા ,જમવા અને અભ્યાસ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે મારા પિતાશ્રી બાદ હું પણ સમાજનો એક ભિખારી છું, સમાજની પિતા કે માતા-પિતા વિહોણી દીકરીઓના અભ્યાસ માટે સમાજ પાસે હજુ પણ માગવું પડે તો મારી તૈયારી છે.