બેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !
સંતાનો પાસેથી ડબલ મર્ડરના આરોપીનો મોબાઇલ નંબર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું
2012 માં નાડોદાનગરમાં પત્નીને 38 અને કાકીને 23 છરીના ઘા ઝીંકી ક્રૂરતા પૂર્વક રહેંસી ગાયબ થઇ ગયો હતો
શાતીર આરોપીને પકડવા પોલીસની ટુકડીએ ઇ-રિક્ષા અને ફ્રૂટની લારી ચલાવી અને ફૂટપાથ પર ગરમ કપડાં વેંચ્યા !
રાજકોટ શહેરમા સાલ 2012 મા કાળજુ કંપાવી નાંખે એવી ડબલ મર્ડરની ઘટના ઘટી હતી. આ ઘટનામા ભકિતનગર વિસ્તારમા આવેલા હુડકો પોલીસ ચોકી પાછળ નાળોદાનગર 4 મા રહેતા દુધીબેન પરસોતમભાઇ ચાવડાના ભાડાના મકાનમા રહેતી મુળ જેતપુરની મુની ઉર્ફે મધુ પ્રવિણભાઇ શર્મા (ઉ.વ. 30) અને તેમના વિધવા કાકી રંજનબેન અનુભાઇ કામળીયા (ઉ.વ. 40) ની છરીના 61 ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી. આ હત્યાની ઘટનામા મુની ઉર્ફે મધુના પતિ પ્રવિણ ઉર્ફે પવન રામશંકર શર્મા અને દિયર દિપકે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ. ત્યારબાદ પોલીસે દિપકની ધરપકડ કરી લીધી હતી અને તેમણે જેલહવાલે કરવામા આવ્યો હતો. પરંતુ મુખ્ય આરોપી પ્રવિણ શર્મા ગુજરાત મુકી ભાગી ગયો હોવાનુ પોલીસ તપાસમા જાણવા મળ્યુ હતુ.
આ સમગ્ર ડબલ મર્ડરની હત્યાની ઘટનામા પોલીસ આરોપીની 1ર વર્ષ સુધી શોધખોળ કરી રહી હતી પરંતુ હાથમા આવ્યો ન હતો અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમા પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, મોહીલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ, મહાવીરસિંહ ચુડાસમા, કૃષ્ણદેવસિંહ ઝાલા અને હરસુખભાઇ સબાડ સહીતના સ્ટાફને ડબલ મર્ડરના આરોપી પ્રવિણ શર્માની છાનભીન આદરી હતી અને આ તપાસ દરમિયાન પીએસઆઇ પરમાર અને તેમની ટીમે આરોપી પ્રવિણના સંતાનોની શોધખોળ કરતા બંને સંતાનો રાજકોટ જીલ્લામા જ રહેતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ બંને સંતાનોના મોબાઇલ નંબર ક્રાઇમ બ્રાંચની ટીમે મેળવી લીધા હતા અને તેમા આરોપી પ્રવિણ શર્મા સંતાનો સાથે વાતચીત કરતો હોવાના પુરાવા મળ્યા હતા.
ત્યારબાદ પ્રવિણનો એક પુત્ર કયારેક કયારેક ગાજીયાબાદ જતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ ટ્રેસ પર રહેલા પ્રવિણ શર્માના મોબાઇલ માથી બેંકના ટ્રાન્ઝેકશન થતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ પોલીસે તપાસ કરતા પ્રવિણે એક ફાઇનાન્સમાથી લોન લીધી હોવાનુ જાણવા મળ્યુ હતુ અને ત્યારબાદ પોલીસ ફાઇનાન્સ કંપની સુધી પહોંચી હતી અને પ્રવિણ શર્માના ડોકયુમેન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ તેમા રહેલા ફોટાને આધારે પ્રવિણ શર્માની ઓળખ થઇ હતી અને દોઢ મહીનાથી આરોપીને પકડવા પાછળ પડેલી ક્રાઇમ બ્રાંચને લીંક મળી ગઇ હતી કે આરોપી ગાઝીયાબાદમા પાનની કેબીન ચલાવે છે. ત્યારબાદ પોલીસ સ્ટાફ તુરંત ગાઝીયાબાદ પહોંચ્યો હતો અને ત્યા હોટલમા રોકાયો હતો. ત્યારબાદ ગાઝીયાબાદમા વેશપલ્ટો કરી દિવસ રાત કોઇએ ઇ-રીક્ષા ચલાવી તો કોઇએ ફુટપાથ પર લારી ગોઠવી ગરમ કપડા વેંચવાનુ શરૂ કર્યુ હતુ. તેમજ પોલીસ સ્ટાફ પ્રવિણ શર્માના ઘરથી થોડે દુર પહોંચી મોબાઇલમા રહેલા ફોટાને આધારે પ્રવિણ શર્માની ઓળખ મેળવી હતી અને ત્યા તેમના ભાઇ દીપકની પણ અવર જવર રહેતી હોય જેથી આરોપી પ્રવિણ પર વોચ ગોઠવી દીધી હતી.
ત્યારબાદ મોકો મળતા જ આરોપી પ્રવિણ રામશંકર શર્માને પોલીસે પકડી લીધો હતો અને તેમને રાજકોટ લાવી ભકિતનગર પોલીસને સોપવામા આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ. એન. પરમારે જણાવ્યુ હતુ કે તેઓએ આ ઓપરેશનનુ નામ મિશન ગાઝીયાબાદ આપ્યુ હતુ. આ ઘટનામા ક્રાઇમ બ્રાંચની ટીમને પ્રવિણ શર્માના મોબાઇલ નંબર પર પેટીએમ દ્વારા પ0 થી લઇ 300 સુધીની રકમ જમા થતી હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડબલ મર્ડરની ઘટનામા પવન ઉર્ફે પ્રવિણ શર્માનો ભાઇ જામીન પર છુટી ગયો હોય અને હાલ ગાઝીયાબાદમા મજુરી કામ કરે છે.
આ સમગ્ર ઘટનામા પ્રવિણની ગેરહાજરીમા પ્રેમલગ્ન કરનાર મધુના ઘરે અન્ય પુરૂષોના આંટાફેરા વધી ગયા હોવાથી વિસ્તારમા મધુના ચારીત્ર્ય પર ચર્ચાઓ શરૂ થઇ હતી અને બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. તેમને સમજાવી પરંતુ માની નહીં અને છેવટે તેમની હત્યા કરી નાખી હોવાની કબુલાત પ્રવિણે આપી હતી.