રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટાના ગણોદ-તણસવા રોડના ઉદ્યોગો તથા આસપાસનો ૧૦ કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

05:58 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જિલ્લા કલેક્ટર દ્વારા એપિડેમિક એક્ટ હેઠળ જાહેરનામું ૨૨મી ઓગસ્ટ સુધી અમલી રહેશે

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ-તણસવા રોડ પર આવેલા સંસ્કાર પોલિમર્સ, અર્ચન પોલિમર્સ, આશ્રય પોલિમર્સ વગેરે ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો સામે આવ્યાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અહેવાલને પગલે, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ઉક્ત ઔદ્યોગિક વિસ્તાર તથા આસપાસના ૧૦ કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરતું ફરમાન જારી કર્યું છે. આ સાથે ઉપલેટા મામલતદારશ્રીની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરએ જારી કરેલા આદેશો મુજબ, બરફના કારખાનાઓએ બરફ બનાવવા પીવા લાયક પાણી જ વાપરવાનું રહેશે. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. નળ કનેક્શનના સ્થળે ખાડો ખોદીને પાણી મેળવવું નહીં. શહેરના તમામ મકાનોની ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરાવી લેવી. પીવાનું પાણી ક્લોરિનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.

ખાદ્ય પદાર્થના વેપારીઓ, ધંધાર્થીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર વગેરે ખુલ્લામાં ના રાખવા. શાકભાજી, ફળફળાદિના ધંધાર્થીઓને ખુલ્લામાં રાખીને, કે ફળનું કાપીને વેચાણ ના કરવું. ખાણીપીણીના સ્થળો, હોટેલ-રેસ્ટોરાં, ભોજનાલય, મીઠાઈ-ફરસાણની દુકાનમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવાના રહેશે.

ખાણીપીણીની વસ્તુ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવવી અથવા માખી પ્રવેશી ના શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્ય પદાર્થો ઢાંકી રાખવા. તમામ ખાદ્ય પદાર્થો પેપરડીશમાં જ પીરસવા. આ ઉપરાંત બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ, ડીસ્પોઝેબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે. વાસી ખોરાક ઉપયોગમાં ના લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા.

આ જાહેરનામું ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પરના ઉક્ત ખાનગી ઔદ્યોગિક વિસ્તારો તથા આજુબાજુના ૧૦ કિમી વિસ્તારમાં તા. ૨૨ ઓગસ્ટ સુધી આ આદેશ અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર દંડને પાત્ર થશે.

Tags :
choleraGanod-Tanaswa roadgujaratgujarat newsHealthHealth tips
Advertisement
Next Article
Advertisement