પોરબંદર મત વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ મારી નેમ: ડો.માંડવિયા
- ઉદ્યોગ વગર સમૃદ્ધિ શક્ય નથી,પોરબંદર વિસ્તાર વિવિધતાથી ભરપૂર
- ગુજરાત મિરર કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા ભાજપના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવિયા
- પોરબંદર બેઠક ઉપર 5.51 લાખ કરતાં વધુ લીડથી વિજેતા થવાનો વ્યકત કરેલો વિશ્વાસ
પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ મંડાવિયા આજરોજ "ગુજરાત મિરર" કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાત મિરર ના તંત્રી સંજય પટેલ સાથે નિખાલસ ચર્ચા કરી હતી. તેમણે પોરબંદર લોકસભા બેઠક 5.51 લાખ કરતા વધુ લીડ થી જીતવા સાથે એન ડી એ ને 400થી વધુ બેઠકો મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડો. મંડાવિયા "ગુજરાત મિરર"ના કલરફુલ પ્રિન્ટિંગ અને માહિતી સહિતની બાબતો નિહાળી પ્રભાવિત થયા હતા.
પોરબંદર લોકસભા માટે વિસ્તાર અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોરબંદર વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવેલ કે, ઔદ્યોગિક વિકાસ વગર સમૃદ્ધિ શક્ય નથી. ઔદ્યોગિક વિકાસ થકી જ લોકોના જીવનમાં સુખાકારી લાવી શકાય છે. પોરબંદર મત વિસ્તાર તો વિવિધતાઓથી ભરેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં વિકાસ માટે અનેક તકો પણ છે. આગામી સમયમાં હું આ વિસ્તારની સર્વાંગી વિકાસ મારે તમામ પપ્રયત્નો કરીશ અને પોરબંદર મત વિસ્તારને દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠકની ટિકિટ મળ્યા બાદ ગઈકાલથી ડો.મનસુખભાઇ મંડાવિયાએ મત વિસ્તારમાં પ્રવાસ શરુ કરેલ છે અને વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા પણ કરી હતી. ડો. મંડાવિયા "ગુજરાત મિરર"ની મુલાકાતે આવ્યા તે દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા રાજુભાઈ ધ્રુવ પણ સાથે હતા.