રાજકોટમાં શનિવાથી ઇન્ડિગોની વિમાની સેવા રાબેતા મુજબ શરૂ થશે
એરલાઇન કંપનીની મોનોપોલીના કારણે સમસ્યા વણસી: એરપોર્ટ જોઇન્ટ મેનેજર
રાજકોટથી મુંબઇ-દિલ્હી સહીતના શહેરો વચ્ચે ચાલતી ઇન્ડીગોની હવાઇ સેવા ખોરવાયા બાદ ગઇકાલે રાજકોટ એરપોર્ટના જોઇનટ જનરલ મેનેજર સંજય અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી આગામી તા.13ને શનિવારથી ઇન્ડીગોની તમામ ફલાઇટ રાબેતા મુજબ શરૂ થઇ જશે તેવું જણાવ્યું હતું.
રાજકોટ એરપોર્ટ જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઈન્ડિગોની 29 ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 600 મુસાફરોને રિફંડ આપવામાં આવ્યુ છે. DGCA દ્વારા અમુક કલાકો જ ફ્લાઇટ ઉડાવવી. અમુક કલાકો બાદ પાયલોટને આરામ આપવો જોઈએ. આ ઉપરાંત વધુમાં વધુ બે નાઈટ લેન્ડિંગની મંજૂરી છે. આ નિયમ અંગે એક વર્ષ પહેલા ઈન્ડિગોને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેમના દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવ્યું અને તેને કારણે ક્રૂ અને પાયલોટની અછત જોવા મળી.
ઈન્ડિગો એરલાઈન્સના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈન્ડિગો 60થી 70 ટકા એરલાઈન્સ હિસ્સો ધરાવે છે જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. મોનોપોલીના લીધે આ પરિસ્થિતિ વધારે વણસી છે. જોકે સરકાર હવે પગલા લઈ રહી છે. તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી છે. લોકોને કોઈ હાલાકી પડે MAY I HELP YOU 9409303371 નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 12 ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8 માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9 માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો 8 ડિસેમ્બરના 8 માંથી 4 ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે 9 ડિસેમ્બરના 9 માંથી 2 ફ્લાઈટ કેન્સલ રહી હતી. જ્યારે હજુ 12 ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે, હવે 13 મી ડિસેમ્બરથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂૂ થઈ જશે તેવું જાહેર કરાયું છે.