ઓખા-પોરબંદરના દરિયામાં ભારત-પાક.ની સમાંતર લશ્કરી કવાયત
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત દુશ્મન દેશોના નૌકાદળે સામસામા ખાંડા ખખડાવ્યા, લોકોમાં ભારે ઉત્તેજના
ભારત-પાક. વચ્ચે ફરી યુદ્ધના ખતરા વચ્ચે આજે ઓખા અને પોરબંદરના દરિયામાં ભારત-પાકિસ્તાનના નૌકાદળ દ્વારા યુદ્ધ કવાયતો હાથ ધરાતા દરિયાકાંઠાના વિસ્તારોના લોકોમાં ભારે ઉત્કંઠા વચ્ચે ફફડાટની લાગણી ફેલાયેલ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બન્ને દુશ્મન દેશો વચ્ચે લશ્કરી કવાયત હાથ ધરાતા લોકો પણ એલર્ટ બન્યા છે.
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં, અરબી સમુદ્રમાં તણાવ વધવાનો છે. ભારત અને પાકિસ્તાનની નૌકાદળો એક જ સમયે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. બંને દેશોની નૌકાદળોએ કવાયત પહેલા નેવિગેશનલ એરિયા ચેતવણી પણ જારી કરી છે. ભારત અને પાકિસ્તાન બંનેની નૌકાદળો પોતપોતાના દેશોની સરહદોમાં સપાટી નીચે ગોળીબાર કવાયત કરશે. દરિયાઈ ટ્રાફિકને ચેતવણી જારી કરીને કસરત ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય નૌકાદળે નેવિગેશનલ એરિયા ચેતવણીના ત્રણ આદેશ જારી કર્યા છે. આજે સવારે 11-30 થી 1-30 વાગ્યા સુધી ઓખા દરિયા કિનારા નજીક ફાયરિંગ કવાયત હાથ ધરવામાં આવી હતી જ્યારે 12 ઓગસ્ટના રોજ બપોરે 12-30 થી 6-30 વાગ્યા સુધી પોરબંદર દરિયા કિનારા નજીક ફાયરિંગ કવાયત હાથ ધરવામાં આવશે.
13 ઓગસ્ટના રોજ બપોરે 1-30 થી સાંજે છ વાગ્યા સુધી મોર્મુગાઓ દરિયા કિનારા નજીક ફાયરિંગ કવાયત હાથ ધરવામાં આવશે. બીજી તરફ, પાકિસ્તાને પણ આજે સવારે ચાર વાગ્યાથી 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યા સુધી શિપિંગ ઝોન ચેતવણી પણ જારી કરી છે. નૌકાદળની ચેતવણી મુજબ, ભારતીય સેના 11 અને 12 ઓગસ્ટના રોજ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયા કિનારા નજીક કસરત કરશે. નોંધનીય છે કે બંને દેશોની સેનાઓ દ્વારા આવા લશ્કરી કવાયત નિયમિતપણે કરવામાં આવે છે. પરંતુ એક જ સમયે લશ્કરી કવાયત હાથ ધરતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ છે.
ઉલ્લેખનીચ છે કે તાજેતરમાં જ ભારતીય હવાઇદળના વડાએ જણાવ્યું હતું કે ભારતે પાક.ના પાંચ જેટ તોડી નાખ્યા હતા અને 300 કિ.મી. દૂરથી તેની સિસ્ટમ્સને ધ્વસ્ત કરી નાખી હતી. તેના પગલે પાકિસ્તાન પણ ગુસ્સે થયું છે. પાકે. આ દાવાને ફગાવી દીધા છે. જો કે ભારતે તો દાવાના સમર્થનમાં પુરાવા પણ રજૂ કર્યા હતા. જ્યારે પાકિસ્તાન આવું કશું રજૂ કરી શક્યું નથી.