ભારતને વિકસિત બનાવવા 30 ટ્રિલિયન ડોલરની જરૂર
માથાદિઠ આવક 18 હજાર ડોલરે લઇ જવી પડશે, નીતિ આયોગે બ્લુપ્રિન્ટ તૈયાર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થતાં સુધીમાં ભારતને વિકસિત દેશોની શ્રેણીમાં લાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. હવે સરકારી થિંક ટેન્ક નીતિ આયોગે દેશના વિકાસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. નીતિ આયોગનું કહેવું છે કે વિકસિત થવા માટે ભારતે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો પ્રયત્ન કરવો પડશે અને માથાદીઠ આવક વાર્ષિક 18 હજાર ડોલર સુધી લઈ જવી પડશે.
નીતિ આયોગે વિઝન ફોર ડેવલપ્ડ ઈન્ડિયા 2047: એન એપ્રોચ પેપરમાં દેશના વિકાસ માટે બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. કમિશને કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા અર્થતંત્રને વર્તમાન સ્તર 3.36 ટ્રિલિયનથી 9 ગણી વૃદ્ધિ કરવાની જરૂૂર છે. તેવી જ રીતે માથાદીઠ આવક 2,392ના વાર્ષિક સ્તરથી 8 ગણી વધારવી પડશે. વિકસિત થવા માટે આપણે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવું પડશે અને 18 હજાર ડોલરની માથાદીઠ વાર્ષિક આવક પ્રાપ્ત કરવી પડશે.
કમિશને પેપરમાં એ પણ સમજાવ્યું છે કે વિકસિત ભારતનો ખરેખર અર્થ શું છે. પંચના મતે, વિકસિત ભારત એ ભારત હશે જેમાં વિકસિત દેશના તમામ ગુણો હશે અને માથાદીઠ આવક એવી હશે કે તેની તુલના આજના વિશ્વના ઉચ્ચ આવક ધરાવતા દેશો સાથે કરી શકાય. આ માટે ભારતે મધ્યમ આવક ધરાવતા દેશમાંથી ઉચ્ચ આવક ધરાવતા દેશમાં જવું પડશે.
જો કે, 2047 સુધીમાં વિકસિત થવાનું લક્ષ્ય હાંસલ કરવું એટલું સરળ નથી. નીતિ આયોગે આ માર્ગના પડકારો વિશે પણ જણાવ્યું છે. કમિશનના મતે, ભારતે મધ્યમ આવકની જાળમાં ફસાવાનું ટાળવું પડશે અને તેમાંથી બહાર આવવા માટે સાવચેતીપૂર્વક કામ કરવું પડશે. ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવા માટે ભારતે આગામી 20-30 વર્ષ સુધી 7 થી 10 ટકાના દરે આર્થિક વૃદ્ધિની ગતિ જાળવી રાખવી પડશે. તે સરળ નથી. અત્યાર સુધી વિશ્વના અમુક જ દેશો લાંબા સમય સુધી આવી ગતિ જાળવી શક્યા છે.
વિશ્વ બેંકની વ્યાખ્યા કહે છે કે જે દેશોની માથાદીઠ વાર્ષિક આવક 14,005 (2023 સુધીમાં) છે તે ઉચ્ચ આવક ધરાવતા દેશો ગણાય છે. નીતિ આયોગનું કહેવું છે કે ભારત પાસે આ લક્ષ્યને હાંસલ કરવાની ક્ષમતા છે. દેશને ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં ક્ષમતા વધારવાની જરૂૂર છે. ભારતે ગ્રામીણ અને શહેરી આવક વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા માળખાકીય પડકારોને પાર કરીને ભારત પણ વિકસિત દેશોની હરોળમાં સામેલ થઈ શકે છે.