SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઈનામની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને હવે રૂૂ. 51 હજાર સુધીનું ઈનામ મળશે.
છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે. હવે આ ઈનામી રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.રાજ્યકક્ષાએ ઈનામની નવી રકમ 31 હજારથી વધારી 51 હજાર, બીજા ક્રમમાં 21 હજારથી વધારી રૂા.41 હજાર તથા તૃતીય ને 11 હજારથી વધારી 31 હજાર કરાઇ છે.
આ વધારો ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓ માટે લાગુ થશે. જિલ્લાકક્ષાએ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)મા પ્રથમ ક્રમ રૂા.15 હજાર (અગાઉ રૂૂ. 6 હજાર), દ્વિતીય ક્રમ રૂા.11 હજાર (અગાઉ રૂૂ. 5 હજાર) અને તૃતીય ક્રમ રૂા.9 હજાર (અગાઉ રૂૂ. 4 હજાર) કરાઇ છે.
મહત્વની વાત એ છે કે રાજ્યકક્ષાએ ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓને જિલ્લાકક્ષાનું ઇનામ મળવાપાત્ર નહીં હોય. વિદ્યાર્થીઓને આ ઈનામની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી તેમના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ માત્ર માર્ચ-એપ્રિલમાં લેવાતી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જ મળશે. એક જ ક્રમ પર એકસરખા ગુણ ધરાવતા તમામ SCઅને SEBCવિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવશે.