શાકભાજીના ભાવમાં વધારો, મધ્યમ વર્ગના બજેટને ચડશે ઠંડી
પાછોતરા વરસાદથી પાકને અસર થતા કિંમત આસમાને આંબી: ડુંગળી રૂા.100, ટમેટાં રૂા.120ના કિલો
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પાછોતરો વરસાદ પડતા તેની અસર ખેતરમાં ઉભેલા પાક ઉપર થઇ છે. વરસાદના કારણે મબલખ ઉત્પાદન થવા થતા ગુણવતામાં અસર થતા તેની અસર ભાવ ઉપર પડી છે. છેલ્લા ઘણા સમયથી મધ્યમ પરિવાર માટે આશીર્વાદ સમાન ગણાતા ટમેટા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. યાર્ડમાં શાકભાજીના ભાવમાં આસમાની વધારો થયો છે. ડુંગળી ખુલ્લા બજારમાં રૂા.80 થી રૂા.100 અને ટમેટા રૂા.100થી રૂા.120ના કિલોએ વહેંચાઇ રહ્યા છે.
વેપારી સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પાછોતરો વરસાદ પડતા શાકભાજીના ઉત્પાદન પર તેની અસર પડી છે. વરસાદના કારણે શાકભાજીની ગુણવતા જળવાઇ નથી અને સારી ગુણવતાવાળા શાકભાજીની માંગ વધતા તેના ભાવ આસમાને આંબી ગયા છે.
છુટક બજારમાં હાલ ડુંગળી અને ટમેટાના ભાવ રૂા.100ને આંબી ગયા છે. યાર્ડમાં શાકભાજીની આવક થઇ રહી છે. પરંતુ મોટાભાગે જથ્થાબંધના વેપારીઓ દ્વારા ખરીદી લેવામાં આવતા હોવાથી છુટક બજારમાં તેની અસર જોવા મળી રહી છે.
વરસાદના કારણે અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા છે. વરસાદ વચ્ચે આવક વધી છે. પરંતુ ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ શિયાળાની મોસમ શરૂ થશે તેથી લીલા શાકભાજીની આવશ વધશે. તેમાં સૌથી વધારે મેથી, પાલક, કોથમીર, બીટ, ગુવાર, લીલી ડુંગળીની માંગ વધારે રહેતી હોય છે અને શિયાળામાં તેનું આરોગવાનું પ્રમાણ પણ વધારે રહેતી હોય છે. ત્યારે ભાવમાં વધારો થતા શિયાળાની સિઝનમાં મધ્યમ વર્ગના બજેટને વધારે ઠંડી ચડશે તેવું બજારમાં ચર્ચાઇ રહ્યું છે.
માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ વધુ મળતા હોવાથી વધુ આવક ઠલવાઈ રહી છે. 1050 ક્વિન્ટલ એટલે કે એક લાખ કિલોથી વધુ ડુંગળી ઠલવાઈ હતી. જેના ભાવ વધીને રૂૂપિયા 335થી 1035 સુધી પહોંચ્યા હતા. આ જ રીતે 76800 કિલો ટમેટાની આવક સાથે ભાવ રૂૂપિયા 600થી 1200ની ઉંચાઈએ રહ્યા છે.
યાર્ડમાં જેટલા ભાવે શાકભાજીના સોદા થાય છે તેના કરતા છૂટક બજારમાં ફેરિયાઓ બમણાંથી ત્રણ ગણા ભાવ વસુલતા હોય છે. ડુંગળી, ટમેટા ઉપરાંત બટેટાની 4.50 લાખ કિલોની ભરપૂર આવક છતાં ભાવ યાર્ડમાં રૂૂપિયા 300થી 700 અને છૂટક બજારમાં 50થી 80ના કિલો વેચાય છે. આ જ રીતે કોથમરી, ગુવાર, ચોળાસિંગ, ટીંડોળા, સરગવો, પરવર સહિતના લીલા શાકભાજી પણ મોંઘાદાટ જારી રહ્યા છે. ચોમાસાના પગલે લીલી હળદર, આદુ, લીલી ડુંગળી, વગેરેની આવક શરુ થઈ છે પરંતુ, શરુઆતમાં ભાવ ઉંચા છે.