ગાંધીનગરમાં 30 સ્થળે ઈન્કમટેક્સ ત્રાટક્યું
PSY ગ્રુપના બંકીમ જોષી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં તપાસ
ગુજરાતમાં ચાલુ વર્ષે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાનો દૌર સતત ચાલુ રાખવામાં આવ્યો છે. અને મહદંશે બિલ્ડરો ઉપરાંત જવેલર્સ તથા કેમીકલના ધંધાર્થીઓ નિશાન ઉપર રહ્યા છે. ગઈકાલે હજુ વડોદરામાં ઈલેક્ટ્રીક બાઈક ઉત્પાદક કંપનીના પ્રમોટર્સ ઉપર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા બાદ આજે વહેલી સવારથી ગાંધીનગરમાં ટોચના બિલ્ડરગ્રુપના ભાગીદારોના અંદાજે 30 જેટલા સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારીની ટુકડીએ દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના પીએસવાય ગ્રુપના પ્રમોટર નિલય દેસાઈ તથા બંકીમ જોષી, રાકેશ શાહ, સંજય લાડવાલા, મહેશ પ્રજાતિ સહિતના ભાગીદારોના ઓફિસો તથા નિવાસ સ્થાનો તેમજ કેટલીક ક્ધટ્રક્શન સાઈટો ઉપર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સ વિભાગની ટુકડીઓ ત્રાંટકી છે અને બીનહીસાબી વ્યવહારો અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે આ તપાસ દરમિયાન મોટી રકમના બે નંબરી વ્યવહારો પકડાવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રુપ ગાંધીનગર તેમજ અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પ્રમુખ ટ્રીનીટી, પ્રમુખ પ્રેઈસ, પ્રમુખ પર્લ, પ્રમુખ એરિસ્ટા સહિતના મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે અને ગાંધીનગર-અમદાવાદના પોષ વિસ્તારોમાં પણ તેના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. લાંબા સમયથી મોટાગજાના બિલ્ડરોમાં આ ગ્રુપની ગણતરી થઈ રહી છે ત્યારે આજે વહેલી સવારે ઈન્કમટેક્સનો કાફલો આ બિલ્ડર ગ્રુપના ભાગીદારોના નિવાસ સ્થાનો તેમજ ઓફિસ સહિતના સ્થળોએ મહેમાન બનતા બિલ્ડલ લોબીમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.