રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસ
છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ગુજરાતના ઈતિહાસમાં રાજકોટમાં પ્રથમ વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો હતો. રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રાજકોટ ઇન્કમટેક્ષના ઈન્વેસ્ટીગેશનના આસીસ્ટન્ટ કમિશનર સહિતની ટીમ દ્વારા ગઈકાલે સાંજથી તપાસ હાથ ધરવામાં આવતા કર્મચારી આલમ સહિત સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સરકારના નિયમ મુજબ 30 લાખથી વધુની રકમના દસ્તાવેજની SSFT ઈન્કમટેક્ષ વિભાગમાં રજૂ કરવાની હોય છે અને 50 લાખથી વધુ રકમના દસ્તાવેજમાં એક ટકા ઝઉજ વસુલવાનો હોય છે.
ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલ સબ રજીસ્ટ્રાર ઝોન-5 કચેરીના તાબામાં આવતા વિસ્તારોમાં વર્ષ 2024 -25માં થયેલા 50 લાખથી ઉપરના દસ્તાવેજમાં એક ટકા ઝઉજ વસુલ કરવામાં ન આવ્યો હોય તે માટેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ઇન્કમટેક્ષ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.સબ રજીસ્ટ્રારના ઝોન-પાંચની કચેરીમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું મોદી રાત સુધી ઇન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા દસ્તાવેજ તપાસી તેમાંથી કેટલાક દસ્તાવેજમાં વાંધા હોય તેની ચકાસણી કરવામાં આવી હતી.ઈન્કમટેક્ષ વિભાગની ટીમે સર્ચ ચાલુ કરતાની સાથે જ તમામ કર્મચારીઓના મોબાઈલ લઈ બંધ કરી દેવામાં આવ્યા હતા. આવકવેરાની ટીમ દ્વારા મોડીસાંજ સુધી તપાસ કરવામાં આવતા રાજકોટના વડી કચેરીના અધિકારીઓ પણ મુઝવણમાં મુકાઈ ગયા હતા કે આઈટી વિભાગ દ્વારા તપાસ ક્યાં અનુસંધાને કરવામાં આવી છે.ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-5માં મોટામવા, નાનામવા વિસ્તારના દસ્તાવેજ નોંધાય છે ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મોટી રકમના દસ્તાવેજની નોંધણી થઈ છે. તેમાં કોઈ બિલ્ડર દ્વારા કરચોરી કરવામાં આવી હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરની અલગ અલગ 8 અને ગ્રામ્ય વિસ્તારની 10 મળી કુલ 18 સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવામાં આવતા દસ્તાવેજની માહિતી દર છ મહિને ઈન્કમટેક્ષ વિભાગને મોકલવામાં આવે છે. ત્યારે ઝોન-5 માં નોંધાયેલ દસ્તાવેજો માં ગડબડ થયાંની શંકાએ શહેરની એકમાત્ર ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી કચેરીમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.