For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.6થી 8ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ

05:03 PM Dec 22, 2023 IST | Sejal barot
ધો 6થી 8ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ

આજે ગીતા જયંતીના અવસરે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જાહેર કર્યું કે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6-8માં ભગવદ્ ગીતાને અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે. આ પુસ્તકનું શિક્ષણ વિભાગ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. સચિત્ર ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યો નામે આ પુસ્તકને પ્રકાશિત કરવામાં આવ્યું છે. ધોરણ 12 સુધી ક્રમશ: અભ્યાસક્રમમાં લેવાશે.પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પણ અગાઉ 17 માર્ચે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરી હતી. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત પણ જાહેરાતમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂૂરી છે.

Advertisement

ધો.9-10ના વિદ્યાર્થીઓ ભણશે પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણો

ગાંધીનગર ખાતે પ્રફુલભાઈ પાનશેરીયાના નિવાસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવનારા શૈક્ષણિક વર્ષથી ધોરણ 11માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવશે. આ તકે રાજ્યપાલશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતાં. શિક્ષણમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે ત્યારે રાજયકક્ષાના શિક્ષણ મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો જાત અનુભવ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા આઠ માસથી પોતાના જ નિવાસસ્થાને કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક પધ્ધતિથી બનાવેલું ખાતર, દેશી ગાયનું ગોબર-ગૌમુત્ર, દેશી ગોળ, ચણાનો લોટ અને માટીના મિશ્રણથી ખેતીનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપેલ છે. મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યં કે, હાલની પરિસ્થિતિમાં ખેડૂતો જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેનાથી અનાજ કઠોળ અને શાકભાજીમાં તેના અવશેષો રહી જતા મનુષ્યના શરીરને વિપરીત અસરો કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી અંતર્ગત જીવામૃત ઘન જીવામૃત નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરેના ઉપયોગથી વિવિધ પ્રકારના પાકોમાં આર્થિક રીતે ખર્ચ ઓછો થાય છે અને શરીર માટે શુદ્ધ, આરોગ્યપ્રદ શાકભાજી અને ફળો મળી રહે છે. કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત પ્રાકૃત્તિક ખેતીનાં રાજ્ય સંયોજક દીક્ષિતભાઇ પટેલ, બાગાયત ખાતાના અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement