For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્યાં દેવી પૂજાય છે ત્યાં દુષ્કર્મની ઘટના સમાજની દરિદ્રતા: RJ દેવકીનો આક્રોશ

12:51 PM Sep 04, 2024 IST | admin
જ્યાં દેવી પૂજાય છે ત્યાં દુષ્કર્મની ઘટના સમાજની દરિદ્રતા  rj દેવકીનો આક્રોશ

જ્યારે ભોગ બનેલ મહિલા હિંમતપૂર્વક આગળ વધે ત્યારે સમગ્ર સમાજને મારી અપીલ છે કે તેને સાથ આપો

Advertisement

આપણે ભૂલી ગયા છીએ કે જો ઉંબરાવાળી રીઝે તો જ ડુંગરાવાળી રીઝે છે, દીકરાઓને પણ સમજણ આપવી રહી કે તેના જીવનમાં આવનાર દરેક મહિલાઓ સાથે કઈ રીતે વર્તવું

સવાલ: આપ અભિનય અને રેડિયો એમ બંને ક્ષેત્રે પ્રવૃત્ત છો તો કઈ રીત બંનેને ન્યાય આપો છો?
જવાબ: RJની પસંદગી બાદ લાંબા સમય સુધી થિયેટર જોઈન કર્યું ન હતું કારણ કે રેડિયોમાં પ્રોગ્રામ હેડ, બિઝનેસ માર્કેટિંગ સહિત અનેક જવાબદારી નિભાવવાની હતી. ઘણીવાર એવું બનતું કે રાત્રે ઓફિસના ટેબલ પર સૂઈ ગઈ હોવ અને સવારે ઊઠીને કામ કરવા લાગી જતી.હું એ સમયે રેડિયોને 20 કલાક આપતી. 2014માં માતાનું અકુપાર નાટક ભજવવાનું હતું અને તેમાં મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રીની ગેરહાજરીમાં એ પાત્ર ભજવવાનું મારે ભાગે આવ્યું.આ સમયે થિયેટર પ્રત્યેનો લગાવ જીવંત થયો અને નક્કી કર્યું કે રેડિયોની થોડી જવાબદારી ઓછી કરીને થિયેટરમાં પણ કામ કરવું.

Advertisement

સવાલ: રેડિયોના આપના કાર્યક્રમો,નાટકોમાં સામાજિક સંદેશ અને જાગૃતિ ફેલાવતા વિષય હોય છે.સમાજમાં તેની અસર થતી હોય તેવું લાગે છે ખરા?
જવાબ: જ્યારે તમારી પાસે માધ્યમ હોય છે ત્યારે તમે બહુ મોટા સમૂહ સુધી પહોંચી શકો છો. તમારા બોલાયેલ શબ્દો,તમે કીધેલી વાતને લોકો મહત્ત્વ આપે છે.એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે વાત કરો છો ત્યારે લોકો ઉપર તેની અસર ચોક્કસપણે થાય છે. છાપામાં શું શું ન લખી શકાય, શું રિપોર્ટિંગ ન કરવું એ જવાબદાર જર્નાલિસ્ટ તરીકે ખ્યાલ હોય છે પરંતુ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતે વ્યક્ત થવા ઈચ્છે છે. દરેકને લાગે છે કે મારે મારો અભિપ્રાય વ્યક્ત કરવો છે અને એનું મહત્ત્વ હોય તેવું તે માને છે.

મીડિયાને ખબર છે ક્યાં ન બોલવું પરંતુ સામાન્ય માણસને ખબર નથી કે શું ન બોલવું,પરંતુ આ સામાન્ય માણસ પાસે જ પાવર છે જેમ સ્પાઈડરમેને કહ્યું હતું ને કે with great power of great responsibility પરંતુ અહીં જવાબદારી નથી છતાં પાવર આવી ગયો છે અને એટલા માટે જ ઘણું બધું મેસ થતું આપણે જોઈએ છીએ. ધારો કે તમારી પાસે મંચ છે તો લોકો તમને સાંભળે છે,જુએ છે. તમે બોલો છો એને સાચું માને છે.જો લોકો તમને જેન્યુનલી માને છે તો જવાબદારી લેવી જરૂૂરી છે. મારી પાસે મંચ છે અને રેડિયો પણ છે અને ફિલ્મો પણ કરવાની છે તો મારે એવા વિષયો ઉપર જરૂૂર વાત કરવી જોઈએ કે જે સમાજ અને લોકો માટે મહત્ત્વની હોય.

સવાલ: તમે જુદા-જુદા વિષય પર અવેરનેસના કાર્યક્રમ કરો છો તો વર્તમાન સમયમાં એવી કઈ સમસ્યા છે જેના માટે દરેકે આગળ આવવું જરૂરી છે.?
જવાબ: કલકત્તા જેવી ઘટના.આ ઘટના બની ત્યારે દરરોજ અલગ અલગ ઘટનાના સંદર્ભે આ વાત વિશેષ ચર્ચામાં રહી. હવે લોકો સમજી ગયા છે કે દેશમાં એક બળાત્કારની ઘટના બને એટલે બીજી ઘટનાઓ પણ ફ્રન્ટ પેજ પર સ્થાન પામે છે. હજુ કલકત્તાની ઘટનાની ચર્ચા ચાલુ છે ત્યાં જ ગાઝિયાબાદની દીકરી સાથે બળાત્કાર થયો, અયોધ્યામાં જ્યાં રામના આગમનને આપણે વધાવ્યો ત્યાં પણ દીકરીને બળાત્કાર કરી ખૂબ ભયાનક રીતે મારી નાખવામાં આવી છે, છ - છ વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે એ આપણા સમાજની કરુણતા છે.ત્રીચીની અંદર પણ છોકરીઓની હોસ્ટેલની અંદર વાઇફાઇ માટે માણસ આવ્યો અને બિભત્સ હરકતો કરી હતી.આ બધી ઘટના બને છે તેનો વિરોધ કરવો જ જોઈએ પરંતુ એવું થતું નથી એ સમાજની દરિદ્રતા છે.જે સમાજમાં દેવીઓ પૂજાય છે તે સમાજમાં દીકરીઓ પર બળાત્કાર થાય છે. આપણે ભૂલી ગયા છીએ કે જો ઉંબરાવાળી રીઝે તો જ ડુંગરાવાળી રીઝે છે. આપણે આપણા દીકરાઓને પણ સમજણ આપવી રહી કે તેના જીવનમાં આવનારી દરેક મહિલાઓ સાથે કઈ રીતે વર્તવું.

સવાલ: મહિલાઓ પર દુર્વ્યવહારના બનાવો બને છે એ સંદર્ભે સમાજની શું જવાબદારી છે?
જવાબ:જ્યારે તમારી સાથે કંઈ ખોટું થાય છે ત્યારે ડરો નહીં આગળ આવો. જ્યારે કોઈ મહિલા હિંમતપૂર્વક આગળ વધે ત્યારે સમગ્ર સમાજને મારી અપીલ છે કે તમે પણ તેને સાથ આપો. એક સમય હતો કે આપણે દીકરીને પાંખો આપવાની વાત કરતા, સ્વતંત્ર કેમ રહેવું તેની વાત કરતા અને સપના પૂરા કેમ કરવા તેની વાત પણ કરતા, પરંતુ આવી દીકરીઓ સાથે કેમ જીવવું એ આપણે દીકરાઓને શીખવતા ભૂલી ગયા. આપણે બાળકોને હિસ્ટ્રી અને એકાઉન્ટ શીખવીએ છીએ પરંતુ નિષ્ફળતા મળે,હૃદય તૂટે કે ધંધામાં પછડાટ ખાવાનો વારો આવે કે પડ્યા પછી ઉભા થવાનું જ્ઞાન આપણે નથી આપતા. જો આ બદલાવ નહીં આવે તો મોટા બદલાવની આશા વ્યર્થ છે. હું રાજકોટની દીકરી છું અને ગુજરાત મિરરમાં આવી છું ત્યારે ખાસ અપીલ કરું છું આ સળગતો પ્રશ્ન છે તેને હલ કરવાની શરૂઆત પણ આપણાથી જ કરીએ.

સવાલ:જ્યારે મહિલાઓ ‘તમે અમને ખૂબ ગમો છો’ અથવા ‘આઇ લવ યુ’ કહે છે ત્યારે કેવું લાગે છે?
જવાબ:(ખડખડાટ હસી પડે છે) તમારી વાત સાચી છે રાજકોટના જ એક કાર્યક્રમમાં મહિલાઓએ આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી એક મહિલાએ એમ પણ કહ્યું હતું કે તમે મારા શાહરૂૂખખાન છો. જ્યારે આવો ભરપૂર પ્રેમ મળે છે ત્યારે ખૂબ ગમે છે પરંતુ ત્યારે તમારી જવાબદારી પણ વધી જાય છે. ઘણા લોકો એમ કહે છે કે અમે દીકરીનું નામ તમારા પરથી રાખ્યું છે ત્યારે એમ લાગે છે કે માબાપે જે મારામાં વાવ્યું તે ખરેખર ઊગી નીકળ્યું છે.અત્યારના સમયમાં સત્ય બોલવા માટે હિંમત કરવી પડે છે જૂઠું બોલવા માટે હિંમતની જરૂૂર નથી.આપણે એવું ઘણીવાર સાંભળીએ છીએ કે ધ્યાન રાખજો હો એ પ્રમાણિક માણસ છે.આપણે એવું નથી કહેતા કે જો જો હો એ કરપ્ટ માણસ છે. સમાજના જે પાસા ફરી ગયા છે તેને યોગ્ય કરવા સહિયારો પ્રયાસ કરવો પડશે.

સવાલ: તમારા ચાહકો તમારો લાઇફ ફંડા જાણવા માગશે તમારી પસંદ-નાપસંદ જણાવો.
જવાબ:હું હસતી રહું છું,આનંદમાં રહું છું એટલે ખુશ છું. મારી પાસે એક ડોગ છે એનું નામ રૂૂમી છે જ્યારે તમે એક પ્રાણી સાથે રહો છો ત્યારે સમજાય છે કે આ પૃથ્વી તમારા એકની નથી. પ્રાણી ખૂબ જ સમજદાર હોય છે તમારી ભાવનાને ખૂબ સારી રીતે સમજે છે. ભોજનમાં મને ચાટ બહુ ભાવે છે અને એ ખાતી રહું છું એટલે જ અન્ય દિવસોમાં ડાયેટ ફૂડ ખાવું પડે છે. જેમ મગજમાં સારા વિચારો નાખીએ તો સારા વ્યક્તિ બનાય એ જ રીતે શરીરને સારો ખોરાક આપશો તો શરીર ચાલતું રહેશે.જીવનના અંત સુધી કામ કરતા રહેવાની ઈચ્છા છે.

સવાલ: આટલી સફળતા મળ્યા પછી હવે શું? તમારું ડ્રીમ શું છે?
જવાબ:ગુજરાતી ફિલ્મો કરી રહી છું પરંતુ હું જે નાટકો કરી રહી છું તે પ્રકારની ગુજરાતી ફિલ્મો લખાતી નથી અને એ પ્રકારનું કામ કરવા મળતું નથી,એના કારણે સતત એવું થાય છે કે એવો કોઈ પ્રોજેક્ટ હોય જેનું મોટું ઓડિયન્સ હોય.થિયેટરમાં જે પ્રકારનું કામ કરીએ છીએ એવું હિન્દી કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અથવા ઓટીટી ક્ષેત્રે કંઈક સિગ્નિફિક્ધટ કરી શકું
RJ દેવકીના આ સ્વપ્ન માટે ગુજરાત મિરર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

WRITTEN BY :~ BHAVNA DOSHI

Advertisement
Tags :
Advertisement
Advertisement