સુદર્શન સેતુનું લોકાર્પણ, હજારો કરોડનાં વિકાસકામોની ભેટ: મોદીની દ્વારકાની યાદગાર મુલાકાત
- ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ: અંદાજિત રૂા.978.93 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુ થકી પ્રવાસનને મળશે વેગ
- વ્યુઈંગ ગેલેરી, ભગવદ્ગીતાના શ્ર્લોક, મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર: દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક નવું મોરપીંછ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ્વારકા નગરીની મુલાકાત લીધી, જ્યાં બેટ દ્વારકાથી દ્વારકાને જોડતો સુખ્યાત ‘સુદર્શન સેતુ’ લોકાર્પિત કર્યો અને સાથોસાથ હજારો કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ પણ કર્યું. એટલું જ નહીં, તેઓ દરિયામાં ડૂબેલી અતિ પ્રાચીન દ્વારકા નગરીની મુલાકાતે પણ ગયા, જ્યાં તેમણે પ્રાર્થના કરી. તેના અનુભવો પણ પછીથી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
પીએમ શનિવારે સાંજે જ જામનગર પહોંચ્યા હતા, જ્યાંથી વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા. ત્યાં પહોંચીને જગત મંદિરમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-આરાધના કરી અને આખા દેશના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. જ્યાંથી તેઓ સીધા સુદર્શન સેતુના લોકાર્પણ માટે રવાના થયા. સુદર્શન સેતુનું લોકાર્પણ કરીને તેઓ સ્કુબા ડાઈવિંગ માટે પહોંચ્યા, ત્યાં જ તેમણે પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કર્યા હતા.
આ નગરીના દર્શન કરીને પીએમ મોદીએ પોતાના અનુભવો ટ્વિટર પર શેર કર્યા. તેમણે લખ્યું કે, સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાનો અનુભવ દૈવીય. મને શાશ્વત ભક્તિ અને આધ્યાત્મિક વૈભવના એક યુગ સાથે જોડાણ અનુભવાયું. સાથે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી.
આટલી ઉંમરે પણ વડાપ્રધાનની સ્ફૂર્તિ યુવાનોને શરમાવે તે પ્રકારની છે અને જોમ અને જુસ્સો પણ એટલા જ. તેમની દ્વારકા મુલાકાત સાચા અર્થમાં યાદગાર બની રહી અને તેનાથી દ્વારકાવાસીઓને નવી પ્રેરણા પણ મળી. સાથોસાથ આખા દેશે દ્વારકા વિશે જાણ્યું. કૃષ્ણનગરીને આજે એક મહત્વની ભેટ પણ વડાપ્રધાન તરફથી મળી. સુદર્શન સેતુના લોકાર્પણથી હવે બેટ દ્વારકાથી દ્વારકા જોડાઈ ગયું, જે પહેલાં ન હતું.અગાઉ જે બેટ દ્વારકા જવા-આવવા માટેનાવનો સહારો લેવો પડતો, તે હવે ભૂતકાળ બની ગયું. મોદી સરકારના પ્રયાસોથી હવે બ્રિજ થકી જ આવન-જાવન કરી શકાશે, જેનાથી સમય તો બચશે જ પરંતુ લોકોના જીવને જોખમ પણ નહિવત થઈ ગયું છે.