રાજકોટમાં ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં 7 ગ્રૂપ કલાના કામણ પાથરશે
ભક્તિમય વાતાવરણમાં મનોરંજન પૂરું પાડવા તાળી રાસ, હુડો રાસ, ઢાલ-તલવાર રાસ અને ધમાલ નૃત્યની ધમાલ કલાકારો દ્વારા રજૂ કરાશે
ધરોહર લોકમેળામાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે માનવ મહેરામણ ઉમટી પડશે. ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શનમાં લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં સાત ગ્રુપ કલાના કામણ પાથરીને રાસ-ગરબા અને ડાયરાની રમઝટ જમાવી જનતાને મંત્રમુગ્ધ કરવા આતુર છે. રાજકોટનું શ્રી વૃંદ છેલ્લા ઘણા વર્ષોથી લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં અર્વાચીન ગરબા રજૂ કરે છે. તેના કોરિયોગ્રાફર વિરંચીભાઈ બુચ કહે છે કે આ, વર્ષે પણ શ્રી વૃંદ ના.. ના.. નહીં આવું.. મેળે નહિ આવુ… મેળાનો મને થાક લાગે..ગીત પર અર્વાચીન ગરબો રજૂ કરશે. આ ગરબો ભાતીગળ રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે. ગામડામાં રહેતી બેન-દીકરીઓ ઘરકામ કરતી હોય, તે વખતે કોઈ સખી મેળામાં જવા માટે બોલાવે ત્યારે સખીઓ સાથેની મીઠી રકઝક - આ ગીતનો ભાવાર્થ છે. આ ગરબો ફેબ્રુઆરી, 2024માં હિમાચલ અને પંજાબ ખાતે ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે યોજાયેલા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં પણ પ્રસ્તુત થયો હતો. ગામઠી પહેરવેશમાં સજ્જ 12 બહેનો દ્વારા રજૂ થતો આ તાળીરાસ નીહાળવો, એ એક લ્હાવો છે.
રાજકોટના મેગીસ ક્રિએશન ગ્રુપના કોરિયોગ્રાફર મેઘાબેન વિઠલાણી કહે છે કે, ભાઈઓ-બહેનો મળીને કુલ 14 કલાકારો પતરણેતરિયો મેળો.. ગીત પર ઉત્તર ગુજરાતનો પ્રખ્યાત હુડો રાસ પ્રસ્તુત કરવાના છે. જેમાં છત્રી, લાકડી અને રૂમાલનો ઉપયોગ કરાશે.
ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટના કોરિયોગ્રાફર રવિભાઈ યાદવ જણાવે છે કે, કાર્યક્રમમાં 13 કલાકારો હૂડો રાસ રજૂ કરશે.જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપના કોરિયોગ્રાફર ભીખાભાઈ વાજા જણાવે છે કે, 12 કલાકર ભાઈઓ ચોરણી, કેડીયું, પાઘડીના પહેરવેશમાં ફ્રી સ્ટાઈલ હુડો રાસ રમવાના છે.
પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળના પ્રમુખ લીલાભાઈ રાણવાયાએ જણાવ્યું હતું કે, કલાકારો ચોરણી, કેડીયું અને પાઘડી પહેરીને આ રાસની રમઝટ બોલાવશે. વર્ષ 2017થી લઈને અત્યાર સુધી રાજ્યકક્ષાએ કલામહાકુંભમાં આ ઢાલ-તલવાર રાસનો પ્રથમ ક્રમ આવ્યો છે.
ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપના આયોજકઈરફાન બાદશાહએ જણાવ્યું છે કે, 15 આદિવાસી કલાકારો આદિવાસીઓના પહેરવેશમાં ધમાલ નૃત્ય રજૂ કરશે. ગીતમાં અરબી શબ્દો, પ્રાણીઓના અવાજો અને પૂર્વજોએ આપેલા શ્ર્લોકોનો ઉપયોગ કરવામાં આવશે.
તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકારને તાલી રાસનાં મુખ્ય અંગો ગણી શકાય. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી.
મૂળભુત રીતે પાંચાળ ભુમિ તરણેતરમાં થતું એક વિશિષ્ટ નૃત્ય એટલે હુડો! કોળી, રબારી અને વિશેષરૂૂપે ભરવાડ સ્ત્રી-પુરુષો સામસામે બે હરોળમાં ઉભાં રહીને પગના તાલ, અંગના આંચકા અને હાથના હિલ્લોળ સાથે નૃત્યમાં જોડાય છે. ધીમી લયથી શરૂૂ થયેલાં આ હુડો નૃત્યની ગતિ ધીમે-ધીમે વધતી જાય છે.
પોરબંદર એટલે શ્રીકૃષ્ણ સખા સુદામાની નગરી તથા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ. જેમાં વસતી ખમીરવંતી જ્ઞાતિ એટલે મહેર જ્ઞાતિ. આ મહેર જ્ઞાતિના ભાઇઓ દ્વારા ઢાલ-તલવાર શૌર્ય રાસ રમવામાં આવે છે.
ધમાલ નૃત્ય મશીરાં નૃત્યને નામે પણ જાણીતું છે. રાસ ન હોય તેવું એક નૃત્ય છે સીદીઓનું ધમાલ નૃત્ય. આ સીદી પ્રજા મૂળ આફ્રિકાની છે, જે 16મી સદીમાં પોર્ટુગીઝોની સાથે આફ્રિકાથી આવીને અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે જંબુર ગામમાં વસેલાં છે.