ઉપલેટામાં મકાનના ડેલામાં વીજશોક લાગતા દંપતી ખંડિત : પતિનું મોત
ગઈકાલે સાંજે ઉપલેટા શહેરના વિક્રમ ચોક પાસે આવેલ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર સામેની શેરીમાં રહેતા દેવાણંદભાઈ ઉર્ફે મુકેશભાઈ પોલાભાઈ કંડોરીયા નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે.
તહેવારને લઈને સાંજના સમયે મુકેશભાઈ કંડોરીયા પોતાના પરિવાર સાથે ઘરમાં હોય જ્યારે તેમના પત્ની કિરણબેન ઉર્ફે પીન્ટુબેનને કોઈ કામસર બહાર જવા માટે મકાનના ડેલાનો લોખંડનો દરવાજો ખોલવા જતા ઈલેક્ટ્રીક શોટ લાગેલ જેનો અવાજ સાંભળીને તેના પતિ મુકેશભાઈ ઘરની બહાર દોડી આવી તેમને બચાવવાનો પ્રયત્ન કરતા તેમના પત્ની તો નીચે પડી ગયા પરંતુ મુકેશભાઈ કંડોરીયા ઉ.વ. 50 નું વીજ શોટને કારણે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની કિરણબેન ઉર્ફે પીન્ટુબેન ઉ.વ. 45 ને ગંભીર ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ ઈજા ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ખૂબ જ નાજુક ગણાઈ રહી છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
તેમને સંતાનમાં એક પંદર વર્ષનો પુત્ર હોવાનું સામે પણ આવ્યું છે જ્યારે અન્ય મેરામણભાઇ પોલાભાઈ બારૈયા 52 વર્ષને પણ બચાવવા જતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આ વોર્ડના પૂર્વ સુધરાઈ સભ્ય દાનાભાઈ ચંદ્રવાડીયાને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચીને છેલ્લે સુધી સતત સાથે રહીને યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ બનાવ સ્થળે પહોંચી જઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.