મોરબીની શ્રીજી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવા પ્રશ્ર્ને મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ
મોરબી શહેરમાં ગટરો ઉભરાવાના પ્રશ્નો હવે આમ વાત બની ગયા. મોરબીના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી પ્રશ્ને મહિલાઓ દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરી ગટરના પ્રશ્નનું નીરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીજી પાર્ક સોસાયટી મહિલાઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી જણાવ્યું હતું કે, દર ચોમાસે શ્રીજી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાય છે.
પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. સોસાયટીમાં પીવાનું પાણી પણ આવતું નથી. દર શિયાળે, ઉનાળે પાણીના ટાંકા મગાવવા પડી રહ્યા છે. ઘરે ઘરે બીમારી છે. ગટરના ઢાંકણા પણ તૂટી ગયા છે. અનેક વખત પાલિકામાં રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવતુ ન હોવાથી શ્રીજી પાર્ક સોસાયટીની મહિલાઓને કચેરીએ આવવું પડ્યું છે. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો નગરપાલિકામાં વેરો ભરવાનું જ બંધ કરી દઈશું અને હાઈવે બંધ કરીને વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી હતી.