સુરતમાં ભાજપના નગરસેવકની હાજરીમાં રૂા.બે કરોડના હપ્તાની માગણીથી ખળભળાટ
સુરતના ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. જેમાં પાંડેસરામાં ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. તેમાં કોર્પોરેટરની હાજરીમાં બે કરોડના હપ્તાની માંગણી કરવામાં આવી છે. હપ્તાની માંગણીની બબાલનો વીડિયો વાયરલ થયો છે. 20 સેક્ધડના આં વીડિયોમાં વોર્ડ નં. 28ના કોર્પોરેટર શરદ પાટીલ દેખાયા છે. કોર્પોરેટર સાથે પીળા ટી-શર્ટમાં વ્યક્તિ વીડિયોમાં દેખાય છે.
મહિલા ટી-શર્ટવાળા વ્યક્તિને કહે છે કે આ માણસ બે કરોડનો હપ્તો માંગે છે. વીડિયોમાં મહિલા અપશબ્દો બોલે છે. મહિલા પીળા ટી-શર્ટવાળા વ્યક્તિને તમાચો મારે છે. વીડિયો પાંડેસરા સ્થિત હીરાનગરનો હોવાનું અનુમાન છે. હપ્તાની કથિત વાત દારૂૂના અડ્ડાની કે અન્ય હોઈ શકે છે. પીળા ટી-શર્ટમાં દેખાતા વ્યક્તિનું નામ ભૂષણ પાટીલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આમ આદમી પાર્ટીના બે નગરસેવકો સામે રૂા. 10 લાખની લાંચ માંગવાનો ગુનો એ.સી.બી.એ. નોંધી બન્નેની ધરપકડ કરી હતી. પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવાના આ પ્રકરણમાં સુરત મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની પણ સીધી સંડોવણી હોવા છતાં આજ સુધી ઠોસ પગલા લેવાયા નથી. ત્યારે હવે ભાજપના કોર્પોરેટરની હાજરીમાં રૂા. બે કરોડની લાંચ માંગવાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં સતાધારી પક્ષ ભાજપ અને એસીબી તપાસ કરી સત્ય બહાર લાવે છે કે કેમ? તે જોવાનું રહ્યું.