સુરેન્દ્રનગરમાં પણ ભાજપ સામે તળપદા કોળીનો મોરચો
- ચુંવાળિયા કોળીને ટિકિટ અપાતા રોષની લાગણી, સોમા ગાંડાએ કોંગ્રેસમાંથી ટિકિટનો દાવો કર્યો
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં પણ ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, ત્યા પણ વિરોધનો વંટોળ વકર્યો છે. તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં ખાસ હાજરી આપી હતી અને ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપે તેવી માંગ કરી હતી.
સુરેન્દ્રનગર તળપદા કોળું સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી. સંમેલનમાં એક જ સુર ઉઠ્યો હતો કે, ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ સમાજ ચલાવી નહી લે. પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું કે, સૌરાષ્ટ્રની ત્રણ સીટ તળપદા કોળીની છે, તેમ છતાં બીજા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અન્યાય કર્યો છે.
તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી છે, એનું પરિણામ પણ ભોગવવું પડશે. જો કોંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો.આ અંગે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને સાત વખત લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા સોમાભાઈ ગાંડાભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, આ મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ સીટો તળપદા કોળીની છે. જેમાં જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. એટલા માટે આ સમાજની મિટિંગ બોલાવવી પડી છે. વધુમાં જણાવ્યું કે, મને જો કોંગ્રેસ ટિકિટ આપશે તો હું જરૂૂરથી લડીશ એમાં કોઈ શંકા નથી.
હું સાત વખત ચૂંટણી લડ્યો છુ અને પાર્ટી ટિકિટ આપશે તો લડીશ પણ હું ટિકિટ માંગવા જવાનો નથી.ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ડો. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, સમાજને આ લોકસભા માટે નૈતૃત્વ મળે, એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે એ માટે કમિટી પણ બનાવી છે.સમાજનું નૈતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે, એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે. અને એ લાગણી અને એ યાદી પ્રદેશના નૈતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. સમાજની જે લાગણી છે, એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પણ પહોંચાડીશું.