સુરતમાં મેટ્રોની કામગીરી કરતી મહાકાય ક્રેઇન મકાન ઉપર ખાબકતા અફરાતફરી
સુરતના નાના વરાછાના ઢાળ પાસે મેટ્રોની કામગીરી દરમ્યાન ક્રેઇન નમીને નજીક આવેલા એક મકાન પર પડી હતી.જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્રેન પડવાની ઘટનાને લીધે અહીં આજુબાજુના વિસ્તારોમાં થોડા સમય માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મકાન પાસે પાર્ક કરેલી ચાર કારને નુકશાન થયુ હતું.
બીજી બાજુ આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી માચડો હટાવવા કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી મુબજ સુરત શહેરમાં હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે.આજે સુરતના નાના વરાછા ઢાળ પાસે ક્રેઇન નમી પડી હોવાની ઘટના સામે આવી છે.નાના વરાછા ઢાળ તપોવન સ્કુલ પાસે મેટ્રોની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ક્રેઇન નમીને ત્યાં આવેલા એક મકાનના ટેરેસના ભાગ પર પડી હતી. જેને લઈને મકાનની બાલકનીને નુકશાન થયું હતું.
આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા કાપોદ્રા, નાના સરથાણા અને મોટા વરાછા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.
આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે હાઈડ્રોલિક ક્રેઇન નમીને ત્યાં રહેલા મકાન પર ધડામ દઈને પડે છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. હાલ ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.