પ્રેમલગ્ન બાદ છ માસમાં પ્રેમિકાએ છુટાછેડા લઈ લેતા પ્રેમીએ વખ ઘોળ્યું
પરબ નજીક આવેલા ખંભાળીયા ગામના વતની અને હાલ લોધિકા મેટોડા જીઆઈડીસીમાં રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યાના છ માસ બાદ પ્રેમિકાએ છુટાછેડા લઈ લેતાં યુવકને માઠુ લાગી આવ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમા આવેલા આશુતોષ પાર્કમાં રહેતા ચંદ્રેશ દેવજીભાઈ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી પાવડર પી લીધો હતો.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ચંદ્રેશ સોલંકી મુળ પરબ પાસે આવેલા ખંભાળીયા ગામનો વતની અને એકની એક બહેનનો એકનો એક ભાઈ છે. ચંદ્રેશ સોલંકીએ છ માસ પૂર્વે જ ચલાલાના દેવરાજીયા ગામે રહેતી હિનાબેન નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. પ્રેમ લગ્નના છ માસ બાદ જ પ્રેમિકાએ છુટાછેડા કરી લેતાં ચંદ્રેશ સોલંકીને માઠુ લાગતાં ઝેરી પાવડર પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.