શાપરમાં યુવતી અને પરિણીતાએ ઝેરી દવા પી ર્ક્યો આપઘાતનો પ્રયાસ
શ્રમિક યુવતીએ બીમારીથી કંટાળી અને પરિણીતાએ પતિના ઠપકાથી માઠું લાગતા પગલુ ભર્યુ
શાપર વેરાવળમાં જુદા-જુદા બે સ્થળે યુવતી અને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતના પ્રયાસ કર્યાની બે ઘટના સામે આવી છે. જેમાં શ્રમિક યુવતીએ બીમારીથી કંટાળી અને પરિણીતાએ પતિના ઠપકાથી માઠું લાગતા પગલું ભરી લેતા બંનેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ આદર્શ વિહાર સોસાયટીમાં રહેતી શ્વેતાકુમારી સંતોષકુમાર સિંગ નામની 18 વર્ષની યુવતી સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં શાપરમાં કારખાનામાં કામ કરતી લીલાબેન ભુરાભાઈ માવી નામની 35 વર્ષની પરિણીતાએ 13 વર્ષના પુત્રને ફાકી ખાવા મુદ્દે ઠપકો આપ્યો હતો જેથી પુત્રને ઠપકો આપનાર પત્ની લીલાબેન માવીને તેના પતિએ ઠપકો આપ્યો હતો. જેથી લીલાબેન માવીને પતિના ઠપકાથી માઠું લાગતા ઝેરી દવા પી લીધી હતી. યુવતી અને પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.