સાતુદડમાં મોબાઇલ લેવાની જીદે બાળકીનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
આપણી રોજીંદી ઘટમાળમાં મોબાઇલ એક મહત્ત્વનું અંગ બની ચુક્યો છે. પરંતુ મોબાઇલની ઘેલછા ક્યારેક ઘાતકી પણ બને છે. ખાસ કરીને બાળકો માટે ક્યારેક મોતનું કારણ પણ બને છે. જામકંડોરણાનાં સાતુદડ ગામે ખેતમજુરી કરી પરીવારનો જીવન નિર્વાહ કરતા પિતાની લાચારીને નજર અંદાજ કરી મોબાઇલ લેવાની જીદમાં માત્ર બાર વર્ષની બાળકીએ ઘઉંમાં નાખવાનાં ઝેરી ટીકડા ખાઈ લેતા તેનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ સાતુદડ રહેતા અને વાડીમાં ભાગીયુ રાખી ખેતીકામ કરતા દિનેશભાઈ રાઠોડની બાર વર્ષની પુત્રી હેતલે ગત સાંજે વાડીએ તેના ઘરે ઘઉંમાં નાખવાનાં ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે અત્રેની સુખવાલા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન રાત્રે તેનું મોત નિપજ્યું હતુ.
બાર વર્ષની બાળાએ ઝેરી ટીકડા ખાઇ લીધાની ચોંકાવનારી ઘટનાની વધુ પ્રાપ્ત વિગતો મુજબ હેતલે તેના પિતા દિનેશભાઈ પાસે મોબાઇલ લેવા જીદ પકડી હતી.બીજી બાજુ હેતલનાં ભાઇને પણ મોબાઇલ લેવો હોય ભાઇ બહેન બન્ને જીદે ચડતા ખેતમજુર પિતા પૈસા વગર લાચાર બન્યા હતા. આ જીદ મોતનું કારણ બની હોય તેમ મોબાઇલની બાળ સહજ ઘેલછામાં હેતલે આત્મઘાતી પગલુ ભરી લીધુ હતું. ઘરમાં ઘઉં ભરેલી કોઠીમાં રાખેલા ટીકડા હેતલે ખાઇ લીધા હતા.અને મોત વહાલુ કર્યુ હતું.
દિનેશભાઈને સંતાનમાં ત્રણ દિકરીઓ અને એક દિકરો છે.જેમા હેતલ સૌથી નાની હતી અને છ ધોરણ સુધી ભણી હતી. બનાવનાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. મોબાઇલને કારણે દિકરી ગુમાવ્યાં નો અફસોસ દિનેશભાઈનાં શેકાતુર ચહેરા પર વ્યક્ત થઈ રહ્યો હતો. બનાવ અંગે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે.