રાણપુરમાં તંત્રની નોટિસ બાદ 90 જેટલા લોકોએ જાતે જ દબાણ દૂર કર્યા
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના રસ્તાઓ પર 90 જેટલા લોકોએ દબાણો કર્યા હતા. જે બાબતે તંત્ર દ્વારા નોટીસો આપવામાં આવી હતી. પરંતુ દબાણ કરતા લોકો દ્વારા દબાણો દૂર કરવામાં ન આવતાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરી હતી.
રાણપુર શહેરમાં મુખ્ય રસ્તાઓ પર 90 જેટલા લોકોએ કેબીનો, દુકાનો બનાવી સરકારી જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું હતું. જે બાબતે રાણપુર વહીવટી તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને અગાઉ નોટીસો આપી સ્વૈચ્છિક દબાણો હટાવવા માટે સમય આપ્યો હતો, પરંતુ દબાણકર્તાઓએ દબાણો હટાવ્યા ન હતા. જેથી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.બરવાળા પ્રાંત અધિકારી,રાણપુર મામલતદાર, નાયબ મામલતદાર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા 3 જેસીબી,1 ક્રેન, 6 ટ્રેક્ટ સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાણપુર શહેરનાં પોલીસ સ્ટેશન પાસેથી તાલુકા પંચાયત કચેરી સુધી દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.રાણપુર શહેરમાં શરૂૂ કરેલા દબાણ હટાવવાની કામગીરી ને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન થી તાલુકા પંચાયત સુધીમાં જે દબાણકર્તાઓએ જે દબાણ કરેલા હતા તે દબાણ હટાવવા તંત્ર આવવાનું હોય જેને લઈને દબાણકર્તાઓએ પોતાની જાતે જ સ્વયંભૂ લારી,ગલ્લા,દુકાનો,કેબીનો હટાવી લીધા હતા પોતાની જાતે જ મોડી રાત સુધી લોકોએ પોતાના તમામ સામાન ફેરવીને પોતાની સાથે જ દબાણ હટાવી લેવામાં આવ્યા હતા.
રાણપુર શહેરમાં સરકારી જમીન ઉપર હટાવામાં આવેલા દબાણ મામલે પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાણપુર શહેરમાં જે જાહેર માર્ગો ઉપર સરકારી જમીન ઉપર જે દબાણ કરેલા છે તે પણ દૂર કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધીમાં જે દબાણ હટાવવામાં આવ્યા છે ત્યાં જો ફરી વખત દબાણ કરવામાં આવશે તો દબાણકર્તા ઉપર ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે..