રાજકોટમાં મહામંદી વધુ એક યુવકને ભરખી ગઈ
યુવાને ઝેર પી જીવન ટૂંકાવી લેતાં બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
મહામંદીના કારણે અનેક પરિવારના માળા પીંખાયા છે ત્યારે મહામંદી વધુ એક માનવ જીંદગીને ભરખી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં નવા ગામ વિસ્તારમાં આવેલા દિવેલીયાપરામાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા નવાગામ આણંદપરમાં દિવેલીયાપરા વિસ્તારમાં રહેતા રવજી ધીરૂભાઈ ચૌહાણ નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિનાં સાડા દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રવજીભાઈ ચૌહાણ તેના માતા-પિતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રવજીભાઈ ચૌહાણ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક ભીંસના કારણે રવજીભાઈ ચૌહાણે આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.