પ્રભાસપાટણમાં વેણેશ્ર્વર મંદિર નજીકની ગૌશાળા હટાવાતા ધારાસભ્યની આંદોલનની ચીમકી
પ્રભાસ પાટણ વેણેશ્વર મંદિર પાસે આવેલી ગૌ શાળા બાબતે સોમનાથના ધારાસભ્યએ જણાવેલ કે, ગૌશાળાને તોડી પાડશો તો ગૌમાતા ક્યાં જશે અને આ બાબતે સચોટ ઉપાઈ નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ કરવાની ફરજ પડશે તેમ જણાવેલ છે. આ અંગે સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ કે, સોમનાથ મંદિર પાસે વેણેશ્વર ગૌ શાળા આવેલ છે જે જ્ગ્યા વર્ષોથી કોળી સમાજની છે તે જગ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો ગૌ શાળા ચલાવતા હોય અને બીમાર ગાય માતાને સારવાર આપતા હોય જે જ્ગ્યા ઉપર રામદેવજી મહારાજનું મંદિર આવેલ હોય અને સમાજ દ્વારા વર્ષોથી ભાદરવાની અગીયારશના દિવશે ધ્વજા ચડાવે છે તે જગ્યા વર્ષો પહેલા કોળી સમાજને ફાળવેલ અને આજ દિવસ સુધી સમાજ પાસે છે.
પરંતુ તંત્ર દ્વારા ડેમોલેશન કરવા ગયેલ જ્યા ગૌ રક્ષક હાજર હોય તેઓએ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ધારાસભ્ય દ્વારા ટ્રસ્ટના અધિકારી સાથે વાતચીત કરેલ હતી. આ અંગે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ વધુમાં જણાવેલ કે, સોમનાથ મત વિસ્તારનો પ્રતિનિધિ છું અને સોમનાથ મંદિરનો વિકાસ થાય તેમાં રાજી છું. આ જ્ગ્યા વર્ષો પહેલા ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને ફાળવેલ અને તેના ઠરાવો પણ સમાજ પાસે હોય જે બતાવી ગૌમાતાની ગૌશાળાને તોડી પાડશો તો ગૌમાતા ક્યાં જશે તેમ જણાવેલ અને અંતે જો આ બાબતે સચોટ ઉપાઈ નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ કરવાની ફરજ પડશે તેવું ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ એક યાદીમાં જણાવેલ છે.