પડધરીમાં થાર કારચાલકે અકસ્માત કરી દલિત વૃદ્ધને ધમકી આપી
કાર ધીમે ચલાવવાનું કહેતા વૃદ્ધને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
પડધરીના આંબેડકરનગરમાં રહેતા 60 વર્ષિય દલિત વૃધ્ધ મોટર સાઈકલ લઈને જતાં હતાં ત્યારે રજપૂતવાસમાં રહેતાં શખ્સે પુરપાટ ઝડપે થાર કાર ચલાવી અકસ્માત કર્યો હતો જે બાબતે દલિત વૃધ્ધે ઠપકો આપતાં તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પડધરીના આંબેડકરનગરમાં રહેતા રામજીભાઈ વસતાભાઈ ચાવડા (ઉ.60)ની ફરિયાદને આધારે પડધરી પોલીસે રજપૂતવાસમાં રહેતા મૌલીક કાળુભાઈ વાઢેર સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં રામજીભાઈએ જણાવ્યા મુજબ તે પોતાનું એકટીવા લઈને હોટલે ચા પીવા જતાં હતાં ત્યારે એકટીવા રોડ પર રાખી ચાલીને હોટલ તરફ જતી વખતે રાજકોટ-જામનગર હાઈ-વે પર રવેચી હોટલ નજીક નંબર પ્લેટ વગરની થાર કાર લઈને નીકળેલા મૌલીક કાળુ વાઢેરે રામજીભાઈના પગ ઉપર કાર ચડાવી દીધી હતી. જેથી રામજીભાઈએ મૌલીકને કાર સરખી રીતે ચલાવવા ઠપકો આપતાં મૌલીકે રામજીભાઈ સાથે ઝઘડો કરી તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં આ મામલે પડધરી પોલીસમાં રામજીભાઈએ મૌલીક સામે ફરિયાદ નોંધાવતાં ડીવાયએસપી કે.જી.ઝાલાએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.