પડધરીમાં કોલેજિયન યુવતીએ ફી ભરવામાં મોડું થતા ફાંસો ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસ
પડધરી પંથકમાં રહેતી અને રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતીએ રૂૂ.25000 ની ફી ભરવામાં મોડું થતા તેની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી પથકમાં રહેતી અને રાજકોટમાં ગીતાંજલી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષની કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં પાઇપમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી બે ભાઈની એકની એક મોટી બહેન છે. અને તેના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવતી રાજકોટમાં ગીતાંજલી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને કોલેજની રૂૂ.25 હજાર ફી ભરવામાં મોડું થતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને જસદણમાં રહેતા જીતેન્દ્ર વિશ્વનાથ રામ નામનો 28 વર્ષનો યુવાન જસદણ બસ સ્ટેશનની બાજુમાં હતો ત્યારે વતનમાં લગ્ન પ્રસંગમાં ગયેલી પત્ની કલાવતી સાથે ફોનમાં ઝઘડો થતા તેને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.