એક વર્ષમાં 2.29 લાખ છાત્રોએ ખાનગીમાંથી સરકારીમાં મેળવ્યો પ્રવેશ
ગુજરાતમાં ઉલટીગંગા જેવી સ્થિતિ, રાજકોટમાં 6881 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી
ગુજરાતમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37776 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે સુરત મહાનગર પાલિકાના કુલ 22892 વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગર પાલિકામાં કુલ 10602 વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6204 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10,228 વિદ્યાર્થીઓ, મહેસાણામાં 8267 વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8242 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7892 વિદ્યાર્થીઓ, આણંદમાં 7269 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6910 વિદ્યાર્થીઓ રાજકોટમાં કુલ 6881 વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં 6811 વિદ્યાર્થીઓ, કચ્છમાં 5952 વિદ્યાર્થીઓ, ખેડામાં 5910 વિદ્યાર્થીઓ, અને સુરતમાં 5777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકામાંથી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.
રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો આપી જ રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ 2023-24 બજેટની જોગવાઈ કરતાં 11463કરોડના વધારા સાથે કુલ 55114 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત
શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે 16 હજાર શાળાઓમાં 2 લાખ 40 હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં 70 હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.