મોરબીમાં જ્યાં સગાઇ થઇ ત્યાં પરણવું નહોતું, યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
મોરબીમાં યુવાને ફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની જ્યાં સગપણ થયું હતું તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધાનું ખુલ્યું છે. જો કે સાચી બાબત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના અપરણીત યુવાને કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે કોઈ કારણોસર ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક અનિલભાઈ બાબુલાલ પાલ નામનો 27 વર્ષનો યુવાન મજૂરીકામ કરતો હતો તે લાપતા થયો હતો અને શોધખોળના અંતે કારખાનાના કમ્પાઉન્ડ વોલ ખાતે તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મૃતક યુવાનની જયાં સગાઈ થઈ હતી. ત્યાં તે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી તેણે આ અંતિમ પગલુ ભરી લીધું હતું. જો કે આ યુવકને અન્ય કોઇ યુવતી સાથે લગ્ન કરવા હતા કે કેમ અથવા તો પરિવારજનો દબાણ કરતા હતા એ સહિતની તપાસ ચાલી રહી છે.