મેટોડામાં સગર્ભા પત્નીની ચિંતામાં પતિનો ઝેરી ટીકડાં ખાઈ આપઘાતનો પ્રયાસ
લોધીકાના પારડી ગામના યુવાને શાપરમાં ઝેરી દવા ગટગટાવી
લોધીકાના મેટોડામાં આવેલ જીઆઇડીસીમાં રહેતા યુવાને પોતાની સગર્ભા પત્નીના લોહીના ટકા ઓછા હોવાની ચિંતામાં ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકાના મેટોડા ગામે આવેલી જીઆઇડીસીમાં શ્રીરાજ કંપનીમાં કામ કરતા અશરફ હુસૈનભાઇ બમાણીયા નામનો 28 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં અશરફની પત્ની સબાનાબેન હાલ સગર્ભા છે અને તેણીને લોહીના ટકા ઓછા છે. જેથી સગર્ભા પત્નીની ચિંતામાં અશરફ બમાણીયાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકા તાલુકાના પારડી ગામે રહેતા અશ્વિન વાલજીભાઈ નામના 22 વર્ષના યુવાને શાપર પોલીસ સ્ટેશન પાસે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.