રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકમેળામાં SOPનો ઉલાળિયો, રાઇડ્સમાં ફાઉન્ડેશન ભરવાના બદલે લાકડાંના ડટ્ટા ભરાવી દેવાયા!

04:55 PM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રેસકોર્ષ મેદાનની જમીન ખડકાળ હોવાનું બહાનું આગળ ધરી સોઇલ બેરિંગ ટેસ્ટ કરવાનું જ ટાળી દેવાયું

માર્ગ અને મકાન વિભાગે કૂલડીમાં ગોળ ભાંગી દીધો?, કલેક્ટર તંત્ર પણ બેફિકર: દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો આગામી તા.24ના રોજ શરૂ થનાર છે તે પૂર્વે રેસકોર્ષ મેદાનમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. પરંતુ ફજેત-ફાળકા, ચકરડીઓ સહીતની યાંત્રીક રાઇડસોના ઇન્સ્ટોલેશનમાં નીતિ-નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યાની અને જમીનના સોઇલ બેરિંગ ટેસ્ટ કર્યા વગર તેમજ મોટાભાગની રાઇડસમાં ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઇડસો ઉભી કરી દેવામાં આવ્યાની ફરીયાદો ઉઠતા ભારે ચર્ચા જાગી છે.

રાજકોટમાં ત્રણ માસ પહેલા સર્જાયેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ગેમઝોન, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક સહીતના માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે અને હાલ વચગાળાની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે.

લોકમેળામાં યાંત્રીક રાઇડસો ઉભી કરવા માટે સોઇલ બેરીંગ ટેસ્ટ કરાવવા ઉપરાંત દરેક રાઇડસમાં ફાઉન્ડેશન ભરવા સહીતના સેફટી નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ હાલ રેસકોર્ષ મેદાનમાં ઉભી કરાઇ રહેલ રાઇડસોમાં અમુકમાં જ પાકા ફાઉન્ડેશન બાંધવામાં આવી રહ્યા છે. જયારે બાકીની રાઇડસોમાં દર વખતની માફક લાકડાના ડટ્ટા ભરાવી માચડા ઉભા કરવામાં આવી રહ્યા છે.

આ બારામાં કલેકટર તંત્ર અને માર્ગ-મકાન- વિભાગ દ્વારા જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવી રહી છે. ટેકનિકલ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદારોએ કુલડીમાં ગોળ ભાંગી લીધાની ચર્ચા છે ત્યારે મેળામાં કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે.

આગામી તા.24 થી 28 ઓગસ્ટ દરમિયાન રેસકોર્ષ મેદાનમાં ‘ધરોહર’ મનોરંજન લોકમેળાનો ધામધુમથી પ્રારંભ થશે. તે પહેલા એટલે કે વિવિધ રાઇડસ ફાઉન્ડેશન સાથે ઉભી કરવી કે ફાઉન્ડેશન વગર? તે વાતના સર્જાયેલા વિવાદ બાદ હવે નિષ્કર્ષ એ વાત પર પહોંચેલો દેખાય છે કે રાઇડ સંચાલકો હવે પાકા ફાઉન્ડેશન વગર, લાકડાના ફાઉન્ડેશનથી ચકડોળ, રાઇટસ ઉભી થવા લાગી છે.

આ અંગે રાઇડ સંચાલકોએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, એસઓપીના પાલન સાથે મેળો શરૂ કરવા અગાઉ ત્રણ-ત્રણ વખત હરાજી પડતી મુકાઇ હતી. પણ હવે સોઇલ રીપોર્ટસ પોઝીટીવ આવ્યાનું જણાવતા રાઇડ સંચાલકે વધુમાં કહ્યું કે રાજકોટ (રેસકોર્ષ)ની જમીન ખુબ કડક હોવાથી પાકા ફાઉન્ડેશનની જરૂર નથી. લાકડાના ફાઉન્ડેશન ઉપર જ વગર ચકડોળ, રાઇટસ ઉભી કરી ચલાવી શકાય છે. આ સિવાય એસઓપીમાં દર્શાવાયેલા તમામ નિયમો પાળવા રાઇટસ સંચાલકો તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ધરોહર મેળાનો કારોબાર સંભાળતા વિરેન્દ્રસિંહ ગોહીલે ગુજરાત મિરરને જણાવ્યું હતું કે સરકારની એસઓપીના પાલન સાથે મેળો શરૂ કરવાની તમામ તૈયારીઓ આરંભી દેવાઇ છે. સોઇલ સહીતના 4/5 રીપોર્ટ આવ્યા બાદ રાઇટના નકશા બનશે. તમામ રીપોર્ટ ઓકે આવી ગયા પછી લાયસન્સ મેળવાશે. કડક જમીન હોવાથી પાકા ફાઉન્ડેશનની જરૂર ન હોવાનું વિરેન્દ્રસિંહ ગોહીલે દોહરાવ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે જગ્યાએ જમીન નબળી પોચી હોય અને લગાતાર ત્રણ-ચાર મહીના સુધી મેળાનું આયોજન હોય તો પાકુ ફાઉન્ડેશન કરવાની જરૂર પડે છે. માત્ર પાંચ છ દિવસ કે અઠવાડીયાના મેળાના આયોજનમાં પાકુ ફાઉન્ડેશન જરૂરી નથી.

દર સાત કલાકે રાઇડ્સનું થાય છે ચેકિંગ
રાઇડસ સંચાલકોએ એવું પણ જણાવ્યું હતું કે પાકા ફાઉન્ડેશન વગર ઉભી કરાયેલી રાઇટ્સ ચકડોળનાં દર છ-સાત કલાકે નટબોલ્ટ તપાસવામાં આવે છે. એટલે રાજકોટના મેળામાં કોઇ જોખમ દેખાતું નથી.

ખાનગી મેળાઓને બારોબાર મંજૂરી? માત્ર અરજી કરી કામ શરૂ કરી દેવાયા

રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પગલે ખાનગી લોકમેળાઓને મંજુરી આપવી કે નહીં અને આપવી તો તેના માટે કેવા નિયમો લાગુ પાડવા? તે સહીતની બાબતો સરકાર તરફથી હજુ સ્પષ્ટ કરાઇ નથી ત્યાં રાજકોટમાં ખાનગી મેળાઓને બારોબાર મંજુરી આપી દેવાઇ હોય તેમ 150 ફુટ રીંગરોડ ઉપર શિતલ પાર્ક બસ સ્ટેશન પાસે, નાનામવા સર્કલ પાસે અને વિરાણી હાઇસ્કુલ સહીતના સ્થળોએ ખાનગી મેળાના માચડા ઉભા થવા માંડતા અંદરખાને ભારે ચર્ચા જાગી છે.પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચમાં તપાસ કરતા જણાવાયું હતું કે, ખાનગી મેળાઓ માટે ચાર જેટલી અરજી આવી છે પરંતુ હજુ સુધી કોઇ મંજુરી અપાઇ નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વખતે ખાનગી મેળાની મંજુરી માટે કડક નિયમો બનાવાયા છે અને રાઇડ સેફટી ઇન્સ્પેકશન કમીટી બનાવવામાં આવી છે. આ કમીટીમાં યાંત્રીક વિભાગનો હવાલો માર્ગ અને મકાન વિભાગ જયારે ઇલેકટ્રીક માટે પીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ અને હેલ્થ વિભાગના અધિકારીઓને આ કમીટીમાં સામેલ કરવામાં આવ્યા છે. કમીટી દ્વારા અભિપ્રાય આપ્યા બાદ જ ખાનગી મેળાને મંજુરી આપવામાં આવશે તેવું સ્પષ્ટપણે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.તો સવાલ એ ઉઠે છે કે હજુ સુધી કોઇ ખાનગીમેળાઓને મંજુરી આપવામાં આવી નથી તો પછી મેળાના કામ શરૂ કઇ રીતે થઇ ગયા?

રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ વર્ષે ખાનગી લોકમેળાઓ માટે જમીન ભાડે નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ગેમઝોન અગ્નિકાંડ બાદ કોપોરેશન તંત્ર છાસ ફુંકી ફુંકીને આગળ વધી રહ્યુ છે તો પોલીસતંત્ર ખાનગી મેળાઓને મંજુરી માટે કેમ ઉતાવળુ બન્યું છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsLok Melarajkotrajkot newsrides SOPSOP
Advertisement
Next Article
Advertisement