લખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, માતા સહિતની મહિલાઓએ આખલાને ભગાડી બાળકનો જીવ બચાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં લખતર હાઈવે પર આવેલી એક હોટલના પાછળના ભાગમાં શેરીમાં રમી રહેલા એક 3 વર્ષના બાળક પર રખડતા આખલાએ હુમલો કરતાં અફરા-તફરી મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લાલ ટી-શર્ટ પહેરીને ટાબરિયો હાંફળો-ફાંફળો થઈને ભાગી રહ્યો છે. જ્યારે તેની આગળ એક વિફરેલો આખલો શિંગડે ભેરવીને બાળકને હવામાં ફંગોળીને કાદવમાં નીચે પટકે છે. આ સમયે મહિલાઓ ચીસાચીસ કરીને દોટ મૂકે છે. જો કે આખલો અટકવાની જગ્યાએ બાળકને તેના પગ વડે ખુંદતો રહે છે.
જો કે આ સમયે બાળકની માતા સહિત આસપાસની મહિલાઓ તરત જ દોડી આવે છે અને હિંમતપૂર્વક આખલાને ભગાડી મૂકે છે. જેના પરિણામે બાળકનો જીવ બચી જાય છે.
બીજી તરફ આખલાના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લખતર પંથકમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને આ ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યાં છે.