જસદણમાં 50 ભક્તોએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો
બાલાજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જસદણમાં વિંછીયા રોડ પર આવેલ બાલાજી ધામ આશ્રમ ખાતે ગુરુપુર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હરિભક્તોએ ગુરુની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. જસદણના બાલાજી આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ સાથે બાલાજી ધામ આશ્રમ ખાતે 50 થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી ગુરુના માર્ગે એટલે કે સંન્યાસના માર્ગે વળ્યા હતા અને દીક્ષા લીધી હતી.
જસદણમાં નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ આશ્રમ ખાતે અનંત વિભૂષિત 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ(શ્રી પંચ દશનામ જુના અખાડા) જેઓ સૌપ્રથમ જગતગુરુ બન્યા બાદ જસદણ ખાતે ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જસદણના બાલાજી ધામ આશ્રમ ખાતે આજે 50 થી વધુ સંસારીઓએ સંસાર છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો.
બાલાજી ધામ આશ્રમના મહંત અને અનંત વિભૂષિત 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદગીરીજી બાપુ દ્વારા તમામ દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી. આજથી તમામ દીક્ષાર્થીઓએ દીક્ષા લઈને સંસારનો ત્યાગ કર્યો હતો અને સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સંસાર છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો. બાલાજી ધામ આશ્રમના મહંત અને અનંત વિભૂષિત 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ દ્વારા આજદિન સુધીમાં 700 જેટલા સંસારીઓને દીક્ષા આપવામાં આવી છે. ત્યારે આજે 50 થી વધુ સંસારીઓ દ્વારા દીક્ષાનો માર્ગ ધારણ કરતા સંસારીઓને દીક્ષા આપવામાં આવી હતી. તે લોકોનું મૂળદાન કરી અને તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી. આ તમામ સંસારીઓએ પોતાનું મૂળ નામ અને પોતાના પરિવારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.