જામનગરમા ધારાસભ્ય રીવાબા જાડેજા કબડ્ડીના મેદાનમાં ઉતર્યા, રસ્સા ખેંચ્યા
જામનગરમાં સ્પોર્ટસ ડેની ઉજવણી નિમિતે ખકઅ રિવાબા જાડેજા સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે કબડ્ડી રમતા જોવા મળ્યા હતાં. રીવાબા જાડેજાએ રસ્સાખેંચ સહિતની રમતમાં પણ હાથ અજમાવી સ્પોર્ટસ ડે નિમિતે પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો.
સ્પોર્ટસ ડેની ઉજવણી નિમિતે જામનગરની જી.ડી. શાહ હાઈસ્કૂલમાં આયોજીત કાર્યક્રમમાં રીવાબા જાડેજાએ હાજરી આપી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ સાથે કબડ્ડી, રસ્સાખેંચ અને બેલેન્સ કોન જેવી રમતોમાં ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોતાના સ્કૂલ ડેના દિવસોને યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલ અને વીડિયો ગેમ્સથી દૂર રહી મેદાની રમતો તરફ વળવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે રમત-ગમત માત્ર મનોરંજન નથી. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. રમતોથી શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. તેમણે ટેકનોલોજીના યુગમાં પણ પરંપરાગત રમતોનું મહત્વ જાળવી રાખવાનો સંદેશ આપ્યો.
2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર હકુભા જાડેજાની ટિકિટ કાપી રીવાબા જાડેજાને ટિકિટ આપી હતી. રીવાબા જાડેજા આપના કરશન કરમુર અને કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાને હરાવી ધારાસભ્ય બન્યા હતા.