ગુજરાતમાં સૌથી વધુ 135% કચ્છમાં અને ઓછો 93% વરસાદ સૌરાષ્ટ્રમાં
ગજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં ભારે વરસાદના પરિણામે તા. 18ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વર્ષ 2022માં 122 ટકા, વર્ષ 2023માં 108 ટકા અને વર્ષ 2024માં 143 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2025માં આજની સ્થિતિએ 108 ટકા વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી, ડાંગ, અમરેલી, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની શકયતા નહીવત.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 97.72 ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં 09 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.