ગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતી નિરલબેન રોહિતભાઈ નકુમ નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના નવ વાગ્યે જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં પતિ રોહિત, સાસુ રાણીબેન, જેઠ જયેશ અને જેઠાણી સોનલબેન ‘તું અમારા ઘરની કેમ આઘા પાછી કરે છે’ તેવી શંકા કરી ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ આપઘાતના પ્રયાસ કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ખીરસરા ગામે રહેતી ક્રિષ્નાબેન કનુભાઈ તડવી નામની 19 વર્ષની યુવતીએ જવલનશીલ પ્રવાહી, કાલાવડ રોડ પર માધાવ પાર્કમાં ક્રિષ્નાબેન ચિંતનભાઈ અગ્રાવત (ઉ.21)એ ફીનાઈલ, ગંજીવાડામાં જયશ્રીબેન ગોપાલભાઈ પંચાલ (ઉ.21)એ લીકવીડ અને દૂધસાગર રોડ પર હૈદરી ચોકમાં સાયનાબેન સહેઝાદભાઈ જુલાની (ઉ.25)એ ફિનાઈલ પી લીધુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.