ઘેલા સોમનાથમાં સોમવતી અમાસે ત્રણ લાખથી વધુ ભાવિકો ઊમટયા
યાત્રાળુઓ માટે આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, રહેઠાણ અને ભોજન પ્રસાદ સહિતની સુવિધા
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપીપળિયા ગામમાં શ્રી ઘેલા સોમનાથ મંદિરે ગઇકાલે સોમવતી અમાસે ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. ઘેલા સોમનાથ મહાદેવના જળાભિષેક - દુગ્ધાભિષેક માટે અનેક ભક્તો ઉમટી પડ્યા હતા. ઘેલા સોમનાથ મંદિરમાં દરરોજ શ્રાવણ માસ દરમિયાન નિતનવા શણગારો કરવામાં આવ્યા હતા.
શ્રાવણ માસમાં આ યાત્રાધામમાં ભારતભરમાંથી લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટયો હતો. આ તીર્થસ્થાન અનેક શ્રધ્ધાળુઓનું આસ્થાસ્થાન છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો જેવા કે લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકમેળા અહીં યોજાયા હતા. જેનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. 100 જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્તનાં લીધે શાંતિપૂર્ણ રીતે ભીડ વ્યવસ્થાપન (ક્રાઉડ મેનેજમેન્ટ) થયુ હતું. 150 જેટલા ખાણીપીણીના અને રમકડાના સ્ટોલથી નાના મોટા વેપારીઓને રોજગારી મળી હતી.
શ્રી ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ હસ્તક છે. આ સમિતિ દ્વારા આ તીર્થસ્થળનો સગવડભર્યો સુંદર વિકાસ થઇ રહયો છે. અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચાઓ, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બંને સમય ભોજન પ્રસાદી પણ વિનામૂલ્યે અપાય છે. ટ્રસ્ટની પોતાની જ ગૌશાળા પણ છે. જેમાં 150 જેટલી નાની મોટી ગાયોનો નિભાવ થાય છે.
આ ઉપરાંત, રૂૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામો, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ થયા છે. જેનાથી યાત્રિકોને વધુ સગવડો મળી રહી છે જેનાથી પ્રવાસનને વેગ સાંપડયો છે.
શ્રાવણ માસના પ્રારંભે જ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ઘેલા સોમનાથ- રાજકોટ વાયા જસદણ રૂૂટની બસ તથા રૂૂ. 186 લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું લોકાર્પણ તાજેતરમાં થયું હતું.
મંદિરના સામે મીનળ દેવીના મંદિરમાં પણ વિકાસ કામો થકી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.
આ મંદિરના ટ્રસ્ટના ચેરમેન કલેકટર પ્રભવ જોષી, વાઇસ ચેરમેન અને નાયબ કલેકટર ગ્રીષ્મા રાઠવા, સભ્ય સચિવ જસદણ મામલતદાર એમ.ડી.દવે, વહિવટદાર નાયબ મામલતદાર હિરેન મકાની છે.