દ્વારકા જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરનારા 29 સામે કરાઇ કાર્યવાહી
માછીમારો સાથે બોટસંચાલકો સામે પણ ગુનો નોંધાયો
હાલ ચોમાસાની ઋતુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. તેમ છતાં પણ આ જાહેરનામાને અવગણીને અનઅધિકૃત રીતે માછીમારી કરી પોતાના તથા અન્યના જેવું જોખમમાં મુકતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા સમયાંતરે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે સોમવારે દ્વારકા વિસ્તારમાંથી આ પ્રકારે અનધિકૃત રીતે માછીમારી કરી રહેલા જાકુબ અબલા ચના, જાકુબ ઈબ્રાહીમ સમા, ઈમરાન કાસમ પટેલિયા, અબ્દુલ મુસા ભેસલીયા અને જાફર જુમા સમા સહિતના પાંચ શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં તેમજ સલાયા વિસ્તારમાંથી પણ ત્રણ માછીમારો સામે જાહેરનામા ભંગ તથા મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડ્રોનના ઉપયોગ મારફતે સલાયામાં 5 શખ્સો સહિત આ વિસ્તારમાં 17, વાડીનાર મરીન પોલીસ મથકમાં 1 અને ઓખામાં 3 સહિત આજ સુધી કુલ 29 માછીમારો તેમજ બોટ સંચાલકો સામે આ પ્રકારે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.